લીલાપોર પ્રા. શાળામાં પુસ્તકાલય શરુ કરાયું
- byDamanganga Times
- 06 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ લીલાપોર પ્રાથમિક શાળા ( તાલુકો વલસાડ) માં નાનકડું પણ સરસ મજાનું પુસ્તકાલય શરૂ થયું. આ પુસ્તકાલયમાં પુસ્તક પરબ, વલસાડ દ્વારા ૨૫૦ પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા. ગુજરાતી, હિન્દી,અંગ્રેજી ભાષાના આ પુસ્તકો ખાસ તો બાળકોમાં ઇતરવાચન તરફનો અભિગમ કેળવાય તથા શિક્ષકો તેમજ ગ્રામજનો પણ વાંચી શકે ઍ પ્રકારના પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા. બાળકો વાંચે, વધુ વાંચન ક્ષમતા વિકસે, ભાષા સમૃદ્ધ બને, શબ્દો ભંડોળ વધે તે હેતુથી પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા.
લીલાપોર પ્રાથમિક શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આ દિવસે યોજાયો. તેર જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓઍ રજૂ કરી. વિવિધ કૃતિઓમાં સમાજ,શિક્ષણ,સુરક્ષા, રાષ્ટ્રપ્રેમ જેવા વિષયોને આવરી લઈ ગીત, નૃત્યો, નાટક રજૂ થયા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય કરસનભાઈ, કનુભાઈ પટેલ, શ્રીધરભાઈ તથા તમામ શિક્ષકોને ફાળે જાય છે. લીલાપોરના શશીકાંતભાઈ લાડ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે બિરદાવવામાં આવ્યો.
પુસ્તક પરબ, વલસાડના ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિકભાઈ પટેલ તથા જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ બાપા, રમેશ ચાંપાનેરી ઉપસ્થિત રહ્ના હતા. પુસ્તકાલયનું ઉદઘાટન ડૉ. આશા ગોહિલ તથા શશીકાંતભાઈ લાડના હસ્તે કરવામાં આવ્યું. આચાર્ય કરસનભાઈ, કનુભાઈ, શશીકાંતભાઈ તથા ઉપસ્થિત સૌ પુસ્તકો જોઈ ખુશ થઈ ગયા. સૌઍ પરબના સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી.
સમગ્ર શાળા પરિવાર, ઍસઍમસીના સભ્યો તથા વાલીઓની ઉપસ્થિતિમાં આયોજિત ઍન્યુઅલ ડે રંગેચંગે ઉજવાયો. પરાંત ઈતરવાંચન બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. આ વાતને સુપેરે તેઓ સમજે છે.
પરિણામે પુસ્તક પરબ, વલસાડની ટીમ દ્વારા અહીં પુસ્તકો આપવાનું આયોજન થયું. પુસ્તક પરબ , વલસાડની સમગ્ર ટીમના સહકારથી આ સંસ્થામાં ૨૫૦ પુસ્તકો થકી પુસ્તકાલય વધુ સમૃદ્ધ બની. જે પુસ્તક પરબ વલસાડની ચાલી રહેલ અનોખી પહેલનું વધુ ઍક છોગું બન્યું.
