Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની અનસુયા કંપનીમાં દાઝેલા બે કામદાર પૈકી ઍકનું મોત

વાપીની અનસુયા કંપનીમાં દાઝેલા બે કામદાર પૈકી ઍકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૪ ઃ વાપી જીઆઇડીસીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલ અનસુયા સર્જીકલ કંપનીમાં ગત સોમવારે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરતા બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાંથી ઍક શનિ હરિરામ યાદવનું આજે મોત થયું હતું. જ્યારે અન્ય ઍક ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્ના છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત સોમવારના રોજ વાપી જીઆઇડીસીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલ અનસુરીયા સર્જીકલ નામની કંપનીમાં અચાનક આગ લાગતા કંપનીમાં કામ કરતા કામદાર શનિહરીરામ યાદવ ઉં.વ. ૨૧ રહે સરસ્વતીનગર વાપી, મૂળ રહે ઉત્તર પ્રદેશ અને આશિષકુમાર મંગલરામ યાદવ ઉ.વ. ૨૦ રહે. સરસ્વતીનગર વાપી, મૂળ રહે. ઉત્તરપ્રદેશનાઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

જ્યાં બંને કામદારો ૬૦ થી ૭૦ ટકા જેટલા દાઝી જવા પામ્યા હતા અને વેન્ટિલેટર ઉપર રખાયા હતાં. જ્યાં બંનેની હાલત નાજુક હતી. જેમાં આજે શનિ-હરીરામ યાદવનું મોત થયું હતું. જ્યારે આશિષકુમાર મંગલરામ યાદવને સારવાર આપવામાં આવી રહી છે આ અંગે ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.