ડાંગના બરમ્યાવડ પ્રા. શાળામાં બીજા દિવસે પણ તાળાબંધી
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૪ ઃ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બરમ્યાવડગામે પ્રાથમિક શાળાના ઍક શિક્ષકની પુનઃનિમણૂકને લઈને ફાટી નીકળેલો જનઆક્રોશ હવે ચરમસીમાઍ પહોંચ્યો છે, જેના પગલે સતત બીજા દિવસે પણ વાલીઓઍ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
આ સમગ્ર વિવાદની જડમાં શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડની આ જ શાળામાં પરત નિમણૂક હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪માં તેમની સામે હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને ભ્બ્ઘ્લ્બ્ ઍક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા શિક્ષણ વિભાગે તેમને ફરી બરમ્યાવડ શાળામાં જ ફરજ બજાવવા આદેશ આપ્યો છે.આ નિર્ણયથી સ્તબ્ધ થયેલા ગ્રામજનો અને ઍસ.ઍમ.સી. કમિટીઍ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ શિક્ષકની અન્યત્ર બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાઍ મોકલશે નહીં. વાલીઓ અને મહિલાઓઍ શાળાના દરવાજે ઍકઠા થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળાના મુખ્ય દ્વાર પર તાળા મારીને શૈક્ષણિક કાર્યનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. જો તંત્ર દ્વારા વહેલી તકે શિક્ષકની બદલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
