બીલીમોરામાં સ્ટેટ લેવલ હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ
- byDamanganga Times
- 05 February, 2026
(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૦૪ ઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત હેન્ડબોલ રમતની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલી વી.ઍસ. પટેલ કોલેજના ક્રિકેટ મેદાન પર ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો.
આ મહત્વપૂર્ણ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તથા નવસારી જિલ્લાના કલેક્ટર ક્ષિપ્રા આગ્રે વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમનું મનોબળ અને ઉત્સાહ વધાર્યો હતો.
કલેક્ટર ક્ષિપ્રા આગ્રેઍ આ પ્રસંગે ખેલાડીઓને સંબોધતાં જણાવ્યું કે રમતગમતમાં સ્પોર્ટ્સમેનશિપનું મહત્વ વિશેષરૂપે હોય છે. જીત અને હારને સમભાવથી સ્વીકારી શિસ્ત, સંયમ અને રમતભાવનાથી રમવું ઍ સાચા ખેલાડીની ઓળખ હોય છે. તેમણે વધુમાં બીલીમોરા તથા આસપાસના વિસ્તારોની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને મેચ જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી, જેથી ખેલાડીઓનું ઉત્સાહ વધે અને યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વિકસે.સાથે જ તમામ ટીમોને શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્ટેટ લેવલ હેન્ડબોલ ટુર્નામેન્ટ તારીખ ૦૪-૦૨-૨૦૨૬ થી ૧૭-૦૨-૨૦૨૬ સુધી યોજાશે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી પ્રતિભાશાળી ટીમો પોતાની રમતકુશળતા દર્શાવશે. આ સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડમાં નવસારી, ગાંધીનગર, બોટાદ, નર્મદા, જૂનાગઢ, મહેસાણા, આણંદ અને અમરેલી જિલ્લાની ટીમોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ૧૪ ફેબ્રુઆરી સુધી આયોજિત ટુર્નામેન્ટમાં અલગ અલગ વ્યજૂથના મેચો પણ અલગ અલગ જિલ્લાઓ વચ્ચે નિયત શિડ્યુલ અનુસાર રમાશે. આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, નવસારી પ્રાંત અધિકારી મિતેષ પટેલ, ગુજરાત હેન્ડબોલ ઍસોશિયન પ્રમુખ ડો. સનમ પટેલ, હેન્ડબોલ ઍક્સપર્ટ કોચ ચંદ્રપાલ સિંઘ, નવસારી જિલ્લા રમત અધિકારી અલ્પેશ પટેલ, બીલીમોરા કેળવણી મંડળના ચેરમેન ભરતભાઈ અમીન તથા સ્પોર્ટ્સ ખેલાડીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
