ડાંગના મહેશભાઈ બાગુલે કેન્સર સામેની લડતમાં જીત મેળવી
- byDamanganga Times
- 04 February, 2026
અહેવાલ ઃ ઉમેશ ગાવિત
આહવા, તા. ૩ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ભિસ્યા ગામના ૪૦ વર્ષિય યુવક મહેશભાઇ રમેશભાઇ બાગુલને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતાં તેઓ સુબીર દિવ્ય છાયા હોસ્પિટલમાં સારવાર અર્થે ગયાં હતાં. જ્યાં સોનોગ્રાફી કરવાતાં તેઓના કિડનીમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓઍ વધુ સારવાર માટે વાંસદા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવ્યાં બાદ સીટી સ્કેન કરાવતાં તેઓને કીડનીમાં કેન્સરની ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. અચાનક બિમારીની જાણ થતાં તેઓ ભાંગી પડ્યાં હતાં. પરંતુ હિમંત હાર્યાં નહીં તેઓઍ સુરત ખાતે આવેલ કેન્સર અને હાર્ટની હોસ્પિટલમાં સારવાર મેળવી જ્યાં તેઓની મફત સારવાર કરવામાં આવી હતી.
મહેશભાઇ બાગુલ જણાવે છે કે, કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ ઍક સામાન્ય પરિવાર માટે અસહ્ના હોય છે.
પરંતુ આજે મહેશભાઈ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી સંપૂર્ણ સ્વસ્થ બની કેન્સરની બિમારી સામે લડત આપી હતી. વધુમાં તેઓ જણાવે છે કે, આયુષ્માન કાર્ડના કારણે તેઓનો ૭૫ હજારથી વધુનો ખર્ચ સરકારે ઉપાડી લીધો. આયુષ્માન કાર્ડ હોવાના કારણે તેઓની હોસ્પિટલમાં મફત સારવાર થઇ. માટે તેઓઍ તમામ લોકોને આયુષ્માન કાર્ડ મેળવી લેવાનો પણ ખાસ અનુરોધ કર્યો હતો.
આયુષ્માન કાર્ડ ની યોજના સરકારી આરોગ્ય વીમા યોજના છે, જે ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને દર વર્ષે કુટુંબદીઠ પાંચ લાખ રૂપિયા સુધીનું કેશલેસ સ્વાસ્થ્ય કવચ પૂરું પાડે છે.
આ યોજના હેઠળ કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર જેમ કે સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી, સંપૂર્ણપણે મફતમાં કરાવી શકાય છે. ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે આ યોજના વરદાન સમાન છે, કારણ કે તેમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજીના પેકેજ આવરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ડાંગ જિલ્લાના સામાન્ય નાગરિકો માટે આર્થિક રાહત અને શ્રેષ્ઠ સારવારનું માધ્યમ બની છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને પરિણામે ચાલુ વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં પી.ઍમ.જે.ઍ.વાય અને ‘મા યોજના ર૦૧૮માં અમલમાં આવ્યા બાદ જિલ્લાના ૨,૩૮,૬૭૦ લાભાર્થીઓનાં લક્ષ્યાંક્ની સામે ૧,૪૮,૦૨૭ થી વધારે લાભાર્થીઓઍ આ યોજનાનો કાર્ડ કઢાવેલ છે તથા આ યોજના અંતર્ગત અત્યાર સુધી ૪,૮૮૭ લાભાર્થીઓઍ રૂ. ૧૧.૨૫ કરોડ રૂપીયાની વિના મુલ્યે સારવારનો લાભ મેળવેલ છે.
