બીલીમોરામાં ૧૦૮ સૂર્ય નમસ્કાર સાથે ભવ્ય ‘યોગાથોન’ સંપન્ન
- byDamanganga Times
- 04 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૦૩ ઃ બીલીમોરા નગરપાલિકા પ્લોટ ખાતે તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ને રવિવારના રોજ સ્વાસ્થ્ય અને સુખાકારીનો ઍક અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને શારીરિક રીતે સક્ષમ બનાવવા અને મેદસ્વીતા જેવી સમસ્યાઓથી મુક્ત કરવા માટે ચલાવવામાં આવી રહેલા મહત્વકાંક્ષી ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે અહીં ઍક ભવ્ય ‘યોગાથોન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી ચેપ્ટર, મહિલા પતંજલિ યોગ સમિતિ અને લાયન્સ ક્લબ આતલીયા સંચાલિત આનંદ મંગલ લાયન્સ યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના ૩૦૦થી વધુ સાધકોઍ ભાગ લઈ ઍક સ્વસ્થ સમાજના નિર્માણ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રવિભાઈ નેમાણી, લાયન્સ ડીસી ગીતાબેન સોલંકી, યોગ શિક્ષક હરિભાઈ નેભરાજાની, નવનીત કૌર લબાના, મનિષા દેવતા અને લાયન્સ ક્લબ આતલીયાના પ્રમુખ વિશ્વેશભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન બાદ જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ ઉપસ્થિતો માટે સાત્વિક અલ્પાહાર અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકોઍ અંતમાં આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ જાહેર જનતા આવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ના અભિયાનને સફળ બનાવશે અને નિરોગી જીવનશૈલી અપનાવશે.
