બીલીમોરા પાલિકાઍ માર્કેટમાં અધુરું કામ ઍક જ દિવસમાં પુરું કર્યુ
- byDamanganga Times
- 03 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૨ ઃ બીલીમોરા શહેરના હાર્દ સમાન ઍસ. વી. પટેલ રોડથી શાકભાજી માર્કેટ વિસ્તારમાં ખોદકામ બાદ લટકાયેલી કામગીરીનું ઍક જ દિવસમાં સુખદ નિરાકરણ આવ્યું છે. લોકપ્રિય અખબાર દમણગંગા ટાઈમ્સ દ્વારા લોકોની સમસ્યાને વાચા આપવામાં આવતા જ નગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને બાકી રહેલી ભૂંગળા નાંખવાની કામગીરી રેકોર્ડ બ્રેક સમયમાં શરૂ કરી જનતાને મોટી રાહત આપી છે.ઍસ. વી. પટેલ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી થોડો સમય અટકી પડતા રાહદારીઓ અને વેપારીઓને ટ્રાફિકની મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આ બાબત દમણગંગા ટાઈમ્સ પેપરના માધ્યમથી તંત્રના ધ્યાને લાવવામાં આવી હતી. લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને પાલિકાના સત્તાધીશોઍ તાત્કાલિક સ્થળ તપાસ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી હતી. રહીશો અને સ્થાનિક વેપારીઓઍ જણાવ્યું હતું કે, તંત્રઍ અમારી મુશ્કેલી સમજીને ઝડપથી કામ કર્યું તે પ્રશંસનીય છે.લોકોની વેદના તંત્ર સુધી પહોંચાડવા બદલ દમણગંગા ટાઈમ્સ અને ત્વરિત કામગીરી બદલ બીલીમોરા નગરપાલિકાનો સ્થાનિક રહીશોઍ દિલથી આભાર માન્યો હતો.
