વાંકલની કંપનીના ધ્વનિ પ્રદુષણ વગેરે પ્રશ્નો અંગે ગ્રામજનોનું કલેક્ટરને આવેદનપત્ર
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ તાલુકાના વાંકલ ગામે આવેલી ‘મેરીટ પોલીમર્સ’ કંપની દ્વારા ધ્વનિપ્રદૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે ગામજનોનું જીવવું મુશ્કેલ બની ગયુ હોય તેવા આક્ષેપ સાથે આજરોજ ગ્રામજનોઍ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
વલસાડ તાલુકાના વાંકલ ગામે મેરીટ પોલીમર્સ નામની કંપની આવેલ છે. આ કંપની અંગે ગ્રામજનોઍ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે ૧૮ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગ્રામસભામાં કંપનીનું બાંધકામ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. તેમ છતાં, કંપનીઍ આ ઠરાવનું ઉલ્લંઘન કરીને જોહુકમીથી ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે. ગપીસીબીના નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં રાત્રે અવાજની મર્યાદા ૪૫ ડેઝીબલ (ડી. બી.) હોવી જોઈઍ અવાજ ૫૫ થી ૭૫ ડેઝીબલ જેટલો ઊંચો રહે છે. જ્યારે અધિકારીઓ તપાસ માટે આવે છે.
ત્યારે મશીનો ધીમા કરી દેવાય છે. હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે, ત્યારે મોડી રાત સુધી ચાલતા મશીનોના અવાજને કારણે વિદ્યાર્થીઓના વાંચન અને લોકોની ઊંઘમાં ભારે ખલેલ પડી રહી છે. નોકરી પૂરી થયા બાદ કંપનીનો વોચમેન અને અન્ય કર્મચારીઓ દારૂ પીને ફલધરા વણઝાર ફળિયાથી તીસરી ચાર રસ્તા સુધી ગાળાગાળી કરી ઝઘડાઓ કરતા હોય જે અંગે અગાઉ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. કંપનીમાં અવાજની સાથે સ્વાસ્થ્યનું જોખમ તેમજ હવાનું પ્રદૂષણ પર વધુ છે.
જેથી આજરોજ વાંકલ ગામના ગામજનોઍ વલસાડ જિલ્લા કલેકટરને કલેકટરને ગ્રામજનોની સહીઓ સાથે આવેલા પત્ર પાઠવી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. કંપની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધીયા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી કરી છે.
