Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ખાંડામાં વર્ગશાળા જતો બિસ્માર રસ્તો પાકો બનાવવા ધારાસભ્ય સમક્ષ માંગ

ખાંડામાં વર્ગશાળા જતો બિસ્માર રસ્તો પાકો બનાવવા ધારાસભ્ય સમક્ષ માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૯ ઃ ધરમપુર તાલુકાના ખાંડા ગામમાં ખાંડા ખોરી ફળિયા થી દરવડા ફળિયા મારફતે વર્ગશાળા સુધી જતો અંદાજે બે કિલોમીટર લાંબો માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે પરેશાનીઓ ભોગવી રહ્ના છે. રસ્તાની દયનીય સ્થિતિને કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આ પ્રશ્નના તાત્કાલિક નિરાકરણ માટે તાલુકા પંચાયત ધરમપુરની સામાજિક ન્યાય સમિતિની અધ્યક્ષ લીલાબેન મોહનભાઈ ઘાટાળ દ્વારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ આ રસ્તો ગામજનો, શાળાઍ જતા વિદ્યાર્થીઓ, દૈનિક મજૂરીઍ જતા લોકો તેમજ સારવાર માટે જતા દર્દીઓ માટે અત્યંત મહત્વનો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તો કાદવ અને ખાડાઓથી ભરાઈ જતા વાહનવ્યવહાર લગભગ બંધ થઈ જાય છે. પરિસ્થિતિ ઍવી બને છે કે ૧૦૮ ઍમ્બ્યુલન્સ સેવા પણ સમયસર ગામ સુધી પહોંચી શકતી નથી. સ્થાનિક લોકોઍ વધુમાં આવાસ યોજનાના લાભાર્થીઓને પૂરતી માહિતી અને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે. ગામસભાની જાણકારી સમયસર આપવામાં ન આવતી હોવાને કારણે લોકો વિકાસ કાર્યોમાં ભાગ લઈ શકતા નથી. તેવી ફરિયાદ પણ રજૂઆતમાં સામેલ છે.

આ સાથે ગામમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા પીઍચસી સેન્ટર અથવા દવાખાનું શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ગામજનોના કહેવા મુજબ વિકાસના મુદ્દાઓમાં ખાંડા ગામ હજી પણ પાછળ છે. તેથી ધારાસભ્ય અને સરકાર તાત્કાલિક ધ્યાન આપી રસ્તો પકો બનાવે તેમજ ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.