બારતાડમાં મફત તબીબી તપાસ શિબિરમાં ૪૪૭ દર્દીઓઍ લાભ લીધો
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૯ ઃ વાંસદા તાલુકાના બારતાડ ગામે ગણદેવી અમૃતમ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ગણદેવી, રોટરી આઈ હોસ્પિટલ નવસારી અને રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળ-ચૌઢાના સંયુક્ત આયોજન હેઠળ ઍક વિશાળ મફત તબીબી તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરનું ઉદ્ઘાટન કેનેડા સ્થિત ડો. યોગેશ દેસાઈ (ધનોરી) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞમાં કુલ ૪૪૭ દર્દીઓની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં અમૃતમ હોસ્પિટલના નિષ્ણાત તબીબોઍ સેવા આપી હતી. હાડકાના નિષ્ણાત ડો. વિજય પટેલ દ્વારા ૬૭, જનરલ મેડિસિન નિષ્ણાત ડો. જિજ્ઞેશ પટેલ દ્વારા ૬૪, ચામડીના રોગોના નિષ્ણાત ડો. ટ્વિન્કલ પટેલ દ્વારા ૪૧, બાળરોગ નિષ્ણાત ડો. ધર્મેશ પટેલ દ્વારા ૩૮ અને બહેરાશ અંગેના નિષ્ણાત ડો. અમિત સેવલ દ્વારા ૧૭ દર્દીઓની ઝીણવટભરી તપાસ કરી જરૂરિયાત મુજબ મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં રોટરી આઈ હોસ્પિટલ નવસારી દ્વારા ૧૩૬ દર્દીઓની આંખની તપાસ કરી વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા, તેમજ ૩૬ મોતિયાબિંદ અને ૨ વેલના દર્દીઓનું નિદાન કરી તેમની શસ્ત્રક્રિયા નવસારી ખાતે નિઃશુલ્ક કરી આપવાની જાહેરાત કરાઈ હતી. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના આ પ્રયાસને સફળ બનાવવામાં સ્થાનિક આગેવાન ચિન્તુભાઈ ભીંસરા, તાલુકા પંચાયત અધ્યક્ષ તરુણભાઈ ગાવિત અને રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળના ડાયરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ તેમજ સમગ્ર ટીમનું મહત્વનું યોગદાન રહ્નાં હતું. અંતમાં રોટરી ક્લબ ગણદેવીના પ્રમુખ શૈલેષ વશી, મંત્રી પારુલ નાયક, અમૃતમ ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ નાયક અને હોસ્પિટલના ઘ્ચ્બ્ અમન મુલતાની સહિતના સ્ટાફનો આભાર માની શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.
