અટાર વિદ્યાલયમાં ૭૭ મો પ્રજાસત્તાક દિનની ઉજવણી
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ નવસર્જન કેળવણી મંડળ સંચાલિત વિદ્યાલય, અટાર ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવપૂર્ણ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ભીખુભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, પ્રકાશભાઈ, ડૉ. મિતાલી, કમિટી સભ્ય અમિતભાઈ તથા મુકેશભાઈ ઉપસ્થિત રહ્ના હતા. શાળામાં ૨૯ વર્ષની નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શિક્ષિકા સૂર્યાબેનના શુભ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય જીતેન્દ્ર ટંડેલ, ધ્વજારોહક સૂર્યાબેન, ડૉ. મિતાલી તેમજ મંડળના પ્રમુખ ભીખુભાઈ દેસાઈઍ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત શાળામાં આયોજિત સ્પોર્ટ્સ દિનની ઉજવણી દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરી તેમનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના કારકુન સુભાષભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નિનાદ રાઠોડ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.
