સરીગામમાં પ્રદૂષણનો કહેર ઃ વર્તમાન ઍર ક્વોલિટી ઈન્ડેક્સ લેવલ અનહેલ્થી શ્રેણીમાં પહોચ્યું
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૯ ઃ સરીગામ અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. હાલના સરકારી આંકડાઓ મુજબ સરીગામ ગામ અને નોટિફાઈડ વિસ્તારનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૧૨થી ૧૩૩ની વચ્ચે નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે આગામી ઍક મહિનામાં ‘મિક્સ ઝોન’ની પરવાનગી મળવાની શક્યતાઍ સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો છે.વર્તમાન સ્થિતિમાં સરીગામ જીઆઈડીસીમાં ઔદ્યોગિક ઍકમોના કારણે વાતાવરણમાં જોખમી કણાનું પ્રમાણ પહેલેથી જ વધારે છે. જો આ વિસ્તારમાં મિક્સ ઝોનને મંજૂરી આપવામાં આવશે, તો રહેણાંક વિસ્તારોની ઍકદમ નજીક નવા ઉદ્યોગો સ્થપાશે, જેના કારણે વાયુ પ્રદૂષણ ‘હેઝાર્ડસ’ (અતિ જોખમી) સ્તરે પહોંચી શકે છે. નિષ્ણાંતોના મત મુજબ જો ઍર કોવોલિટી ઇન્ડેક્સ સતત આ સ્તરે રહે અથવા વધે તો શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમા જેવા રોગાનું પ્રમાણ વધશે. નાના બાળકો અને વૃદ્ધો ફેફસાં પર સીધી અસર થશે. હૃદય સંબંધિત બીમારીઓ અને આંખોમાં બળતરાની સમસ્યાઓ કાયમી બની શકે છે. આ પ્રકારની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં માંડા ગામના માજી સરપંચ પ્રભુભાઈ ઠાકરીયાઍ ચિંતા વ્યક્ત કરી છે અને મિક્સ ઝોનની પરવાનગી અટકાવવા માટે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. જે જોતા સરીગામ તેમજ આજુબાજુના સ્થાનિક રાજકીય આગેવાનો પણ આગળ આવે ઍ સમયની માંગ છે. ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉદ્યોગપતિઓના હિતમાં સરીગામ જીઆઈડીસીમાં મિક્સ ઝોનની પરવાનગી માટે સરકાર સમક્ષ ભલામણ કરી છે અને ગર્વ પણ અનુભવી રહ્ના જે આપણા વિસ્તારની કમનસીબી છે. સરીગામના તેમજ આજુબાજુના ગામડાના જાગૃત નાગરિકોઍ વિચારવું જોઈઍ કે જો અત્યારે જ સ્થિતિ આટલી ખરાબ હોય, તો મિક્સ ઝોન બાદ શું હાલત થશે. આપણે આજીવન પ્રદૂષિત હવામાં રહેવા મજબૂર થવું પડશે ઍમાં બે મત નથી. ગ્રામજનોની પ્રબળ માંગ છે કે મિક્સ ઝોનની પરવાનગી પહેલા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યનો ગંભીરતાથી વિચાર કરવામાં આવે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાયદાકીય પગલા ભરવામાં આવે.
