ઉમરગામ જીઆઇડીસી કોલોની ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનો આરંભ
- byDamanganga Times
- 30 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૯ ઃ ઉમરગામ જીઆઇડીસી કોલોની ખાતે આવેલ વાસુ પૂજ્ય સ્વામી જૈન દેરાસર સંઘના સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ નિમિત્તે ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે ઉમરગામ વિસ્તારના જૈન સમુદાયના ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્ના છે.
કાર્યક્રમની વિસ્તૃત માહિતી દિલીપભાઈ ચંદન દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે વહેલી સવારે પ્રભાતિયા ગીતોથી ધાર્મિક માહોલ સર્જાયો હતો. ત્યારબાદ નવકારસિ, સવારે ૯ વાગ્યે સ્નાત્ર પૂજા મહોત્સવ, બપોરે ૧૨ વાગ્યે શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય તથા રાત્રે ૮ વાગ્યે આંગી દર્શન સહ ભક્તિ ભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોઍ હાજરી આપી હતી.
શુક્રવાર, તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ સવારે પ્રભાતિયા ગીત અને નવકારસિ બાદ સવારે ૯ઃ૦૦ કલાકે ૧૮ અભિષેક યોજાશે. બપોરે ૧૨ઃ૦૦ કલાકે શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય, બપોરે ૩ઃ૦૦ કલાકે ગામ સાંજ અને મહેંદી તથા રાત્રે ૮ઃ૦૦ કલાકે મહાપૂજા સહ ભક્તિ ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ધજા ચડાવવાની વિધિ પણ યોજાશે. દિલીપભાઈ ચંદન દ્વારા જૈન સમુદાયના તમામ ભક્તોને આ પાવન પ્રસંગે પરિવાર સહિત ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
