Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરામાંથી ગાંજા સાથે ઍક ઝડપાયો ઃ ઍક વોન્ટેડ

બીલીમોરામાંથી ગાંજા સાથે ઍક ઝડપાયો ઃ ઍક વોન્ટેડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૮ઃ બીલીમોરા શહેરમાં નશાના સોદાગરો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના લીમડા ચોક વિસ્તારમાં ઍક રહેણાંક મકાનમાં ધમધમતા ગાંજાના વેચાણ પર પોલીસે ત્રાટકીને ભારે માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અને વાહનો સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ઍક રીઢા આરોપીને દબોચી લીધો છે, જ્યારે તેને માલ સપ્લાય કરનાર સુરતના શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

  બીલીમોરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લીમડા ચોક વિસ્તારમાં રહેતો રાજુભાઇ ઉર્ફે ટોપી બુદ્ધિસાગર વૈદ્ય (૫૧) પોતાના રહેણાંક મકાનમાંથી ગાંજાના વેચાણનું નેટવર્ક ચલાવી રહ્ના છે. આ બાતમીના આધારે પીઆઇ જયદીપસિંહ ચાવડાની ટીમ દ્વારા મંગળવારે ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતાં. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે મકાનની તલાશી લેતા પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવેલો ૫૮૪.૦૧ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત ૨૯,૨૦૦.૫૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત રોકડ રકમ રૂ.૮,૨૭૮ (ગાંજાના વેચાણની કમાણી),૨ ઓટો રિક્ષા (કિંમત રૂ.૪ લાખ) અને ૧ સ્પેલન્ડર બાઈક (કિંમત રૂ.૩૦ હજાર),૨ ડિજિટલ વજનકાંટા અને ૧ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪,૭૪,૦૯૮.૫૦નો મુદ્દામાલ જ કર્યો હતો. પકડાયેલા આરોપી રાજુ ઉર્ફે ટોપીની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ નશાનો જથ્થો સુરતના અશ્વિનીકુમાર રેલવે ટ્રેક પાસે રહેતા રાજુ નામના શખ્સે પૂરો પાડ્યો હતો. પોલીસે સુરતના આ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીલીમોરા પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરને નશામુક્ત બનાવવા માટે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે તેવા સંકેતો પીઆઇ જયદિપ સિંહ ચાવડા દ્વારા આપવામાં આવ્યા છે.