રંગપુર પ્રા. શાળામાં પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૨૮ ઃ રંગપુર પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે સવારે તથા સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ધ્વજ વંદનથી કરવામાં આવી હતી, જેમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરી ભાર્વીબેન અમૃતભાઈ ગાયકવાડ દ્વારા તિરંગાને વંદન કરવામાં આવ્યું હતું. તેમના હસ્તે ધ્વજ વંદન થતાં સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ગૌરવ અને પ્રેરણાની લાગણી પ્રસરી હતી.
આ અવસરે ‘બેટી બચાવો, બેટી ભણાવો’ના સંદેશને સાકાર કરતા આ વર્ષે ગામમાં જન્મેલી ૭ દીકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. દીકરીઓના સન્માન કાર્યક્રમને ગ્રામજનો દ્વારા ખૂબ જ આવકાર મળ્યો હતો.
સાંજે શાળાના પ્રાંગણમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ તરીકે અર્જુનભાઈ કાળુભાઈ માહલા ઉપસ્થિત રહ્ના હતા, જ્યારે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે હેમાબેન દીપકભાઈ ગરાસિયાઍ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે ડો. નિરવ તેમજ શિતાંજલી ફાઉન્ડેશન તરફથી કાંતિભાઈ અને ચિરાગભાઈ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત ગામના આગેવાનો અને ગામના સરપંચ હેમાબેન પણ ખાસ હાજર રહ્ના હતા.
કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, ગામના આગેવાનો, વાલીઓ તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સંસ્કાર અને સામાજિક જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્ના હતો.
