ભીનાર શ્રી સદગુરુ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 29 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૨૮ ઃ વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત શ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનારના પટાંગણમાં ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખંભાલીયા ગામના શિક્ષક તથા પત્રકાર મુકેશભાઈ ઍસ. દુબેના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું.
ધ્વજવંદન બાદ મુકેશભાઈ દુબેઍ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસ દરેક ભારતીય માટે ફરજ, અધિકાર અને જવાબદારીના સંકલ્પનો દિવસ છે. આજનો દિવસ દેશની લોકશાહી વ્યવસ્થા, સંવિધાનિક મૂલ્યો અને જનસત્તાની સર્વોચ્ચતાનું પ્રતીક છે.
શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવ્યું તેમજ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી અને ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ, ગામજનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
