Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનાપોઢામાં રસ્તે ભટકતા ત્રણ મનોદિવ્યાંગ વ્યક્તિનું સફળ રેસ્કયુ

નાનાપોઢામાં રસ્તે ભટકતા ત્રણ મનોદિવ્યાંગ વ્યક્તિનું સફળ રેસ્કયુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢા વિસ્તારમાં રસ્તા પર ભટકતા અને રઝળતા મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) ત્રણ વ્યક્તિઓને માનવતા અને સંવેદનાની ભાવનાથી સુરક્ષિત આશ્રય આપવાની દિશામાં પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સામાજિક આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના સંકલનથી આ રેસ્કયુ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
નાનાપોઢા વિસ્તારમાં રોડ પર ભટકતા મનોદિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિ અંગે સ્થાનિક લોકોઍ સમયાંતરે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે સ્થાનિક અગ્રણીઓ ઍપીઍમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, હરિશ આર્ટ વાપી હરિશભાઈ પટેલ, અનિકેત પટેલ તથા રિલીફ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ, પાલીતાણા (મનોદિવ્યાંગ માનવીઓની સેવા, સારવાર અને આશરો આપતી સંસ્થા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંસ્થાના સંકલનથી વહેલી સવારે રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ધવલ ભાયાણીના સંચાલનમાં રેસ્કયુ કામગીરી માટે માનવ પરિવાર ટ્રસ્ટના નીરવભાઈ મોરડીયા અને અશ્વિનભાઈ અસલલિયા વહેલી સવારે નાનાપોઢા પહોંચ્યા હતાં. નાનાપોંઢાના ધોધડકુવા ગામ વિસ્તારમાં ઍક મહિલા અને બે પુરુષ સહિત કુલ ત્રણ મનોદિવ્યાંગ વ્યક્તિઓ લાંબા સમયથી ભટકતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. માનવ પરિવાર ટ્રસ્ટની ટીમે સ્થળ પર પહોંચી શાંતિપૂર્વક વ્યક્તિઓને સમજાવી અને કોઈ અવરોધ વિના સુરક્ષિત રીતે રેસ્કયુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રસંગે હરિશભાઈ પટેલે માનવ પરિવાર ટ્રસ્ટ તથા રેસ્કયુ ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી સેવા ભાવનાથી જ સમાજમાં માનવતા જીવંત રહે છે. સ્થાનિક લોકોઍ પણ સંસ્થાની કામગીરીને બિરદાવતાં સંતોષ વ્યક્ત કર્યો હતો. આપણા વિસ્તારમાં કોઈપણ ભટકતા અથવા મનોદિવ્યાંગ વ્યક્તિ ધ્યાનમાં આવે તો ધવલભાઈ ભાયાણી (સંચાલક)નો સંપર્ક નંબર ૯૭૧૨૦૪૯૧૨૬ પર કરવાની અપીલ કરવામાં આવી છે.