બીલીમોરા સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટે પ્રજાસત્તાક પર્વઍ મેગા રક્તદાન શિબિર યોજી
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા,૨૭ ઃ સામાજિક કાર્યો અને દરેક પરિસ્થિતિમાં અડીખમ બીલીમોરાની સામાજિક સંસ્થા સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણતંત્ર દિવસ દરેક ભારતીયો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. ગણદેવી તાલુકામાં પ્રજાસત્તાક પર્વની રોશનીના ઝગમગાટ, આન, બાન અને શાન સાથે ઉજવણી કરાઇ હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગણદેવી, બીલીમોરા નગરપાલિકા પટાંગણ, તાલુકા પંચાયત પટાંગણ, સરકારી-ખાનગી પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયતો, બીલીમોરા, ગણદેવી અને ધોલાઈ મરીન પોલીસ મથક, હાઈસ્કૂલો, કોલેજ સહિત વિવિધ સ્થળોઍ રાષ્ટ્રવંદના કરાઈ હતી. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને રક્તની જરૂરિયાત વાળા દર્દીઓને નિસ્વાર્થ ભાવે રક્ત પૂરું પાડવાના સેવાકીય અને લોક કલ્યાણના ઉમદા આશય સાથે બીલીમોરા સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ઍ છેલ્લા ૧૨ વર્ષની પરંપરાને યથાવત રાખી આનંદ બાગ સોસાયટીમાં ઍક મેગા બ્લડ ડોનેશન શિબિરનું આયોજન કર્યું હતું. બીલીમોરા વિસ્તારનો યુવાવર્ગ, અગ્રણીઓ અને નગરજનોઍ ઉત્સાહભેર બ્લડ કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. જેને લઈ ૩૦૩ યુનિટ રક્તદાન ઍકત્રિત થયું હતું. તમામ રક્તદાતાઓનો ટ્રસ્ટ પ્રમુખ દિપક દુશાને અને સભ્યોઍ સેવાભાવી કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા આવનાર સમયમાં વધુમાં વધુ રક્તદાતાઓ આવા સેવાભાવી અને સારા કાર્યમાં આગળ આવે ઍ માટે અપીલ કરાઈ હતી.દરેક રક્તદાતાઓને પ્રોત્સાહિત રૂપે હેન્ડ ટુવાલ,બાથ ટુવાલ,પક્ષી ચણતર ઝૂલો અને શ્રી દત્ત પેટ્રોલિયમ તરફથી ૧ લીટર પેટ્રોલ આપવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં લોકસેવા અર્થે ૫૧ હજારનું દાન આપનાર જયશ્રીબેન મનોજભાઈ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, પાલિકા પ્રમુખ મનીષ પટેલ,ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર,માજી ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ, મનીષ દેસાઈ સહિત અગ્રણીઓઍ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમના અંતે સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યકરો, દાતાઓનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. બીલીમોરા સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટના સુચેતા દુશાને, વસંત દીક્ષિત, બિરેન બલસારા, અઝીઝ પઠાણ અને સભ્યઓ ઍ રક્તદાન શિબિર સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી યાદગાર બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
