વાપીની શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કૂલમાં ગણતંત્ર દિવસની ઉજવણી
- byDamanganga Times
- 28 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીની શ્રીમતી સાન્દ્રા બેન શ્રોફ જ્ઞાન ધામ સ્કૂલમાં ભારતના ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સાન્દ્રા બેન શ્રોફ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાયું હતુ.
આ પ્રસંગે શાળાના આચાર્ય સંદીપ મરહટ્ટાઍ ‘વન નેશન, વન કોન્સ્ટીટયુશન, વન ડેસ્ટીની’ વિષય પર પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં ગણતંત્ર દિવસનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું. તેમણે ભારતના બંધારણ, નાગરિકોના અધિકાર તથા ફરજોની જાણકારી આપી અને વિદ્યાર્થીઓને સત્ય, અહિંસા, શિસ્ત અને રાષ્ટ્રીય ઍકતાના મૂલ્યો જીવનમાં અપનાવવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, કવિતાપઠન, ભાષણ, તેમજ સાંસ્કૃતિક નૃત્ય રજૂઆતો કરવામાં આવી. વિદ્યાર્થીઓની ભાવપૂર્ણ રજૂઆતોને ઉપસ્થિત સૌઍ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. કાર્યક્રમ દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતે સૌને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર ઉજવણી શિસ્તબદ્ધ, પ્રેરણાદાયક અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થઈ. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ઍકતા અને નાગરિક ફરજોની ભાવના વધુ મજબૂત બની.
