પારડીની શિક્ષિકાને શિક્ષણ અને કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા માટે ગુજરાત સારસ્વત સન્માન
- byDamanganga Times
- 26 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ ડૉ. વિજયપત સિંઘાનિયા સ્કૂલ, પારડી ખાતે આર્ટ અને ક્રાફટ વિષયની શિક્ષિકા તરીકે કાર્યરત અપેક્ષા પટેલને શિક્ષણ અને કલા ક્ષેત્રે તેમની લાંબા સમયની નોંધપાત્ર અને પ્રશંસનીય સેવાઓ બદલ પ્રતિષ્ઠિત ‘ગુજરાત સારસ્વત સન્માન’ થી સન્માનિત કરવામાં આવ્યા.
તારીખ ૧૧ મી જાન્યુઆરી ના રોજ નોલેજવેલી ફાઉન્ડેશન ઍન્ડ ધી સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર દ્વારા ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાના વિવિધ વિષયોના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી તાલુકાના ડૉ. વિજયપત સિંઘાનિયા સ્કૂલના કલા શિક્ષિકા અપેક્ષા પટેલ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શિક્ષણ ક્ષેત્રે ૨૨ વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવતા અપેક્ષા પટેલ છેલ્લા અનેક વર્ષોથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને કલાત્મક અભિવ્યક્તિ વિકસાવવા માટે સતત કાર્યરત રહ્ના છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓઍ શાળા, જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ ઉજાગર કર્યું છે.
શિક્ષણ પ્રત્યેની તેમની નિષ્ઠા, સમર્પણ અને કલાત્મક શિક્ષણમાં આપેલ વિશેષ યોગદાનને ધ્યાનમાં રાખી તેમને આ સન્માન ઍનાયત કરવામાં આવ્યું. આ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપલ રવિંદર કૌર ગ્રેવાલ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
