ધરમપુર મોઢેશ્વરી માતા મંદિરે પાટોત્સવ- નવચંડી યજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૩ ઃ ધરમપુરના વાલોડ ફળિયામાં આવેલ શ્રી ગણપતિદાદા તથા શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર ખાતે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મોઢેશ્વરી માતાની અસીમ કૃપા અને ભાવિક ભક્તોના સહકારથી મહા સુદ-૫ (વસંત પંચમી)ના પાવન દિવસે આજરોજ શુક્રવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ નવચંડી યજ્ઞનું આચાર્ય પદ આચાર્ય જૈત્રકભાઈ જોષી (ગુરૂજી) તથા મોઢ બ્રાહ્મણવૃંદના હસ્તે વિધિવત રીતે સંપન્ન થયું હતું. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ૬ઃ૦૦ કલાકે કેસરી અભિષેકથી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૯ઃ૦૦ કલાકે ૫.પૂ. સ્વામીશ્રી જગદીશાનંદજી બાપ (રાધાકૃષ્ણ મંદિર, શેરીમાળ)ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
સવારે ૯ઃ૦૦ કલાકે ધ્વજારોહણ, સવારે ૧૦ઃ૦૦ કલાકે યજ્ઞ પ્રારંભ અને પાટોત્સવની કેક ઉજવણી યોજાઈ હતી. સાંજે ૫ઃ૦૦ કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, ત્યારબાદ સાંજે ૫ઃ૩૦ કલાકે મહા આરતી સહિત સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે શ્રી મોઢ ઘાંચી સમાજના વાપી, ઉદવાડા, ચીખલી, વલસાડ, સુરત, નવસારી, અમલસાડ, બીલીમોરા તથા ખેરગામ વિસ્તારોમાંથી મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી તથા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મોઢ ઘાંચી મહિલા મંડળ, શ્રી મોઢ મોદી યુવક મંડળ, શ્રી મોઢ ઘાંચી સમાજ ટ્રસ્ટ તથા શ્રી મોઢ ઘાંચી સમાજ ફય્ત્ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી સિદ્ધીપ્રવિનાયક યુવક મંડળ, વાલોડ ફળિયા-ધરમપુર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ધાર્મિક ભાવના, ભક્તિ અને ઍકતાના દર્શન કરાવતા આ પાટોત્સવે સમગ્ર વિસ્તારને ભક્તિમય વાતાવરણમાં તરબોળ કરી દીધો હતો.
