વાપી સમર્પણ જ્ઞાન સ્કૂલમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીમાં આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં વસંત પંચમીના પાવન અવસરે પરંપરાગત તથા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા સાથે પુસ્તક પૂજન પણ કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓઍ પોતાના અભ્યાસના પુસ્તકો પર સ્વસ્તિક બનાવી કુમકુમ, હળદર તથા પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની આરતી તેમજ વંદનાનું ભાવસભર ગાન કરવામાં આવ્યું હતું.
વસંત પંચમીના દિવસે દર વર્ષે શાળામાં આ પ્રકારનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે, જેથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે આદર અને શ્રદ્ધાના ભાવો જાગૃત થાય. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ભાવના મજબૂત કરવાનો હેતુ રાખવામાં આવ્યો હતો.આ વિશેષ અવસરે સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલ તથા સ્કૂલ ચેરપર્સન લાયન હીના પટેલ ઉપસ્થિત રહ્ના હતા અને મા સરસ્વતીની આરાધના કરી સમસ્ત સ્કૂલ પરિવારને શુભેચ્છા પાઠવી હતી.
શાળાના શિક્ષકો દ્વારા વસંત પંચમીના મહત્ત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. સમર્પણ જ્ઞાન સ્કૂલમાં આયોજિત આ ધાર્મિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઍ સમગ્ર શાળાના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
