સુખાલામાં સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે
- byDamanganga Times
- 24 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના સુખાલા ખાતે આવેલ સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા આયોજિત ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ આગામી ૨૫ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના પાવન દિવસે ભવ્ય રીતે યોજાવા જઈ રહ્ના છે.
આ સમૂહ લગ્ન મહોત્સવના નિમંત્રક તરીકે પૂ. શરદભાઈ વ્યાસ પ્રેરિત સમભાવ સત્સંગ પરિવાર રહેશે. કાર્યક્રમમાં રાજ્ય અને પ્રદેશના અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જેમાં ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, દાદરા-નગર હવેલી અને દમણ-દીવની સાંસદ કલાબેન મોહનભાઈ ડેલકર, કપરાડાના પૂર્વ મંત્રી તથા કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ભાજપ વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઈ ડી. પટેલ સહિત સમાજના આગેવાનો હાજર રહેશે. પૂ. શરદભાઈ વ્યાસની વ્યાસપીઠ માત્ર વચનાત્મક નહીં પરંતુ રચનાત્મક અને ક્રિયાત્મક હોવાનું આ પરંપરા દ્વારા સાબિત થયું છે. તેમની કથાયાત્રા ૮૩૫ કથાને પાર કરી ચૂકી છે. ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ સાથે સમાજ ઉત્થાનના અનેક સેવાકીય કાર્યો તેઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સમૂહ લગ્ન મહોત્સવ ઍક મહત્વપૂર્ણ પ્રયાસ છે. મોંઘવારીના સમયમાં દીકરીઓના લગ્ન માટે માતા-પિતાને પડતી આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૫૧ દીકરીઓને સન્માનભેર પરણાવવામાં આવે છે. આ પ્રસંગે કન્યાઓને સ્ટીલ કબાટ, ડબલ બેડ, ચાંદીનું મંગળસૂત્ર, પાનેતર, સાડીઓ અને ઘરવખરીનો સામાન તેમજ વરરાજાને શેરવાની અને ઘડિયાળ જેવી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવે છે.
સમગ્ર ખર્ચ પૂ. શરદભાઈ વ્યાસના ભક્તો દ્વારા ઉઠાવવામાં આવે છે અને વર-કન્યા પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. સમભાવ સત્સંગ પરિવાર દ્વારા તમામ ભગવદ્ ભક્તો અને સમાજજનને આ પુણ્યમય સામાજિક કાર્યમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
