Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી મનપાના ડુંગરામાં અઢી દાયકા ઉપરાંતથી ૭૦ પરિવારો પ્રાથમિક સુવિધા વિહોણા

વાપી મનપાના ડુંગરામાં અઢી દાયકા ઉપરાંતથી ૭૦ પરિવારો પ્રાથમિક સુવિધા વિહોણા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૨ ઃ વાપી મહાનગરપાલિકાના ડુંગરા વોર્ડમાં સમાવિષ્ટ ૭૦થી વધુ આદિવાસી પરિવારો અને ૨૦૦થી વધુ લોકોઍ ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી પાકો રસ્તો જોયો નથી. ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત ભુમિદાન હેઠળ મેળવેલી જમીન પર મકાન બાંધી લાઈટ, પાણી, સફાઈ, ડ્રેનેજ વેરો નિયમિત ભરતાં હોવા છતાં કાચા રસ્તા સિવાય આ વિસ્તારના પરિવારો માટે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. જેથી અહીંના પરિવારોને શહેરમાં હોવા છતાં જંગલના અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોવાનો અનુભવ થઈ રહ્ના છે. વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ડુંગરા વોર્ડના કણબીવાડ વિસ્તારમાં આવેલા ઝરી ફળિયા, કાછીયા ફળિયા તેમજ આપાજી ફળિયામાં ૭૦થી વધુ આદિવાસી પરિવારો વસવાટ કરે છે. ૨૦૦થી વધુની વસ્તી ધરાવતાં આ ફળિયામાં ૨૫ વર્ષ અગાઉ ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા ભુમિદાનમાં આદિવાસી પરિવારોને જગ્યા ફાળવવામાં આવી હતી. જ્યાં તેઓ ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે. જે બાદ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦થી વધુ પરિવારોને પાક્કા મકાન પણ બનાવી આપવામાં આવ્યા છે. જોકે પાકા મકાનો બનાવ્યા બાદ પણ પાયાની સુવિધા શું હોય છે. તે સ્થાનિકો જાણતા નથી. 

કારણ કે પહેલાં ગ્રામ પંચાયત, બાદમાં નગરપાલિકા અને હવે મહાનગરપાલિકામાં સમાવાયા હોવાછતાં અને નિયમિત લાઈટ, સફાઈ, પાણી, ડ્રેનેજ વેરો ભરતાં હોવાછતાં આવી કોઈ જ સુવિધા હજુસુધી તેમના સુધી પહોંચી નથી. ત્રણેય ફળિયામાં અવરજવર માટે માત્ર કેડી જેટલો કાચો રસ્તો જ વિકલ્પ છે. જે ચોમાસામાં પણ બિનઉપયોગી બની રહે છે, કારણ કે ભારે વરસાદના કારણે અહીં ૧૦-૧૦ ફુટ કરતાં પણ વધુ પાણી ભરાયેલા રહેતાં હોવાથી બાળકો શાળાઍ અને નોકરિયાતો નોકરી પર જઈ શકતાં નથી. કેડી જેટલાં કાચા રસ્તાના કારણે મુશ્કેલી તો ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ પ્રસુતાને ડિલિવરી માટે કે મૃતદેહને સ્મશાન લઈ જવાનો વારો આવે. ત્યારે બે કિલોમીટરનો  સાંકડો કાચો રસ્તો મહામુસીબતે પસાર કરવા માટે ઝોળીનો સહારો લેવો પડે છે. 

ડુંગરા વોર્ડમાંથી ત્રણ-ત્રણ નગરપાલિકાના પ્રમુખો રહી ચુક્યા હોવાછતાં આ વિસ્તાર તરફ સેવાતાં સતત દુર્લક્ષ્યના કારણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્રને માત્ર વોટબેંક માટે જ કામ કરતાં હોવાનું પ્રતિત થઈ રહ્નાં છે. ત્યારે વહીવટીતંત્રઍ અને  રાજકીય આગેવાનો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકો રાહ જોઈ રહ્ના છે.