Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં મેગા લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો

ધરમપુરમાં મેગા લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વલસાડ તથા ઍડિશનલ ડીસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટ ધરમપુરના સંયુક્ત આયોજનથી શ્રી સદગુરૂધામ બરૂમાળ હોલ ધરમપુર ખાતે મેગા લીગલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ માન. કુ. નિપા સી. રાવલ, ઍડિશનલ ડીસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ ધરમપુર ઍમ. ઍ. મિર્ઝા, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વલસાડના સેક્રેટરી, જિલ્લા ન્યાયિક અધિકારીઓ, જિલ્લા સરકારી વકીલઓ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, હેલ્થ અધિકારીઓ, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન, ઍન.જી.ઓ. પ્રતિનિધિઓ તેમજ બરૂમાળ વિસ્તારમાં આવેલી વિવિધ સ્કૂલ અને કોલેજોના પ્રિન્સિપાલઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, આશીર્વચન તથા દીપ -ાગટ્ય સાથે કરવામાં આવી. આ અવેરનેસ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ ગામ અને દૂરદરાજના વિસ્તારના લોકોને પોક્સો ઍક્ટ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો અને બાળકોને થતી સતામણી અટકાવવા માટેની કાનુની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી કે.જી.જી.બી. કન્યા ગાંધી શાળા બાલછોંઢીની વિદ્યાર્થીની દર્શનાબેને પાત્રિય અભિનય દ્વારા બાળકોને થતી જાતીય સતામણી અને તેની માનસિક અસરનું અસરકારક પ્રસ્તૂતિકરણ કર્યું જેના દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષાયું અને જાગૃતિમાં વધારો થયો. ત્યારબાદ ઍડિશનલ ડીસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ ધરમપુર  ઍમ. ઍ. મિર્ઝાઍ પોક્સો ઍક્ટની વિવિધ જોગવાઈઓ, બાળકોના અધિકારો, ભોગ બનનારને મળતી સહાય યોજનાઓ અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ અંગે સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીઍ બાળલગ્ન પ્રતિબંધ કાયદાની માહિતી આપી.
  પ્રિન્સિપાલ ડીસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ કુ. નિપા સી. રાવલ નાઓઍ બાળકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા, અન્યાયનો ડર રાખ્યા વગર હિંમતપૂર્વક સામનો કરવા અને માતા પિતા કે શિક્ષકને તાત્કાલિક જાણ કરવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે વૃદ્ધ પેન્શન સહાય યોજના, ઉજ્જવલા યોજના, વ્હાલી દીકરી યોજના, પી. ઍમ. આવાસ યોજના તથા સખી મંડળ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ પત્રો અપાયા. મળતી માહિતી મુજબ સન ૨૦૨૫માં ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો ઍક્ટ હેઠળ ઍક પણ ગુનો નોંધાયો નથી તેમજ ધરમપુર ઍડિશનલ ડીસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટમાં પોક્સો સંબંધિત માત્ર ઍક જ કેસ નોંધાયો છે.