ઉમરગામમાં ઍસઆઈઍ પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ મુજબ કાર્યરત થશે
- byDamanganga Times
- 23 January, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૨ ઃ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના ટ્રસ્ટ રજિસ્ટ્રેશનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં અંતે નિર્ણાયક વળાંક આવ્યો છે. ગત ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વલસાડ ચેરિટી કમિશનરની કોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન ઍસઆઇઍના વર્તમાન પ્રમુખ નિર્મલભાઈ દુધાણીઍ સ્વયં હાજર રહીને ટ્રસ્ટ ઍક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવા માટેની લેખિત ખાતરી આપી છે. ઍસઆઈઍ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ નિયમનું ઉલ્લંઘન કરી રહી હોવાની ફરિયાદ થઈ હતી. ઍસઆઈઍ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કાર્યરત થવું જોઈઍ ઍવી માંગ પણ ઉઠી હતી. પરંતુ પ્રમુખ નિર્મલભાઈ દુધાની અને ઍમની ટીમે ટ્રસ્ટ નોંધણી માટે ગુજરાત સરકારે બહાર પાડેલા પરિપત્રોની સરેઆમ અવગણના કરી હતી અને ધાર્યું પાર પાડવા ઍડી ચોટીનું જોર લગાવ્યું હતું. હાઈકોર્ટમાં અપીલ કરવા છતાં નિયમોને નેવે મૂકી સગવડિયા અને સ્વાર્થના નિયમ બનાવી ઍસઆઈઍને બે વર્ષ સુધી કાર્યરત રાખ્યું હતું. ભૂતકાળમાં મનઘડત રીતે બાયલોઝમાં કરેલા ફેરફાર અને ઍકિઝક્યુટિવ કમિટીના ઠરાવો કાયદા અને નિયમની ઉપર વટ કરેલા હોવાની પ્રબળ શક્યતા છે જે જોતા ઘણી પ્રક્રિયા શંકાના દાયરામાં છે. જેનો સંપૂર્ણ હિસાબ ચેરિટી કમિશનર સમક્ષ રાખવો પડશે ઍવી શક્યતા દેખાઈ રહી છે. ઍસઆઈઍની સ્થાપના ૧૯૮૯માં સોસાયટી ઍક્ટ હેઠળ કરવામાં આવી હતી. જો કે, ગુજરાત સરકારના ૨૦૦૪ અને ૨૦૧૭ના પરિપત્રો મુજબ આવી સંસ્થાઓ માટે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ, ૧૯૫૦ હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત હતી. લાંબા સમય સુધી આ નિયમનું પાલન ન થતા ઉદ્યોગપતિ રૂવાબ અલી ખાન દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. હાઈકોર્ટની લાંબી લડત બાદ સમગ્ર મામલો ચેરિટી કમિશનરના દરબારમાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયામાં ઍસઆઈઍના પ્રમુખ નિર્મલભાઈ દુધાની અને ઍમની ટીમ હળવાશના મૂડમાં જણાતા હતાં. પરંતુ ચેરિટી કમિશનરનું કડક વલણ જોતા આખરે ઉટે પહાડની નીચે આવવાની ફરજ પડી છે. આમ ચેરિટી કમિશનરને લેખિત પત્ર આપી પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ મુજબ નોંધણી કરવાની ખાતરી આપી છે. જે પત્રમાં જણાવ્યા અનુસાર ૨૧ સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે.જેમાં વર્તમાન અને ભૂતપૂર્વ હોદેદારો તેમજ નોટિફાઈડ ઍરીયા બોર્ડના સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટીને ટ્રસ્ટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા અને ઍસોસિઍશનની પ્રવૃત્તિઓ ચલાવવાની સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી છે. આ જ કમિટી સૂચિત ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરશે. આમ વર્ષોથી પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ રજિસ્ટ્રેશન વગર ચાલતા ઍસઆઈઍના ટ્રસ્ટ પર હવે સરકારની સીધી વોચ રહેશે. જેના કારણે સરીગામના ઉદ્યોગપતિઓમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે. પારદર્શક વહીવટ માટે આ ઍક મોટું પગલું માનવામાં આવી રહ્નાં છે. હવે ચેરિટી કમિશનરે ઍસઆઈઍની લેખિત રજૂઆત સ્વીકારી લીધી છે અને વધુ સ્પષ્ટતા તેમજ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ની તારીખ નક્કી કરી છે.
