Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કાંગવીના સરપંચને બરતરફ કરવા હુકમ

કાંગવીના સરપંચને બરતરફ કરવા હુકમ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૧ ઃ ધરમપુર તાલુકાના કાંગવી ગામે મંદિર ફળિયાનો રસ્તો બનાવ્યા વિના માત્ર કાગળ પર કામ બતાવી રૂ.૨,૦૩,૩૦૪/-ની રકમ ઍજન્સીને ચુકવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ મામલે તાલુકા વિકાસ અધિકારીઍ કડક કાર્યવાહી કરતાં કાંગવી ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

કાંગવી ગામના મંદિર ફળિયામાં ઘનશ્યામભાઈ છોટુભાઈના ઘર તરફ જતો રસ્તો છેલ્લા અનેક વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી ભોગવી રહ્ના હતાં. રસ્તાની દયનીય સ્થિતિ અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કામગીરી થતી ન હતી. આ દરમિયાન ગામના જાગૃત નાગરિકોઍ ‘મારી પંચાયત’ વેબસાઇટ પર તપાસ કરતા મંદિર ફળિયામાં ડામર રોડ બનાવ્યો હોવાનું ઓનલાઇન દર્શાવવામાં આવ્યું હતું તેમજ રૂ.૨,૦૩,૩૦૪/-ની રકમ જય અંબે કન્સ્ટ્રકશનને ચુકવાઈ ગયાનું સામે આવ્યું હતું. હકીકતમાં સ્થળ પર કોઈપણ પ્રકારનો રસ્તો બનાવવામાં આવ્યો ન હોવાને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ બાબતે પંચાયત સભ્ય આશિષભાઈ ગમનભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ સહિતના જાગૃત નાગરિકોઍ તાલુકા વિકાસ અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં ઉલ્લેખ કરાયો હતો કે સરપંચ દેવીબેન દશરથભાઈ પટેલ તથા જય અંબે કન્સ્ટ્રકશનના સંચાલક ગણપતભાઈ માંદાભાઈ ચૌધરી પતિ-પત્ની છે અને બંનેની મિલીભગતમાં સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે. ઍટલું જ નહીં, ગ્રામ પંચાયતનો વહીવટ પણ સરપંચના પતિ સંભાળી રહ્ના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. મામલાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ બાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી  કૃષ્ણપાલસિંહ બી. મકવાણાઍ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીડીઓ દ્વારા આપવામાં આવેલા હુકમમાં જણાવ્યા મુજબ, ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૩૨(૧) હેઠળ શ્રીમતી દેવીબેન ગણપતભાઈ ચૌધરી, સરપંચ, ગ્રામ પંચાયત કાંગવી, તા. ધરમપુર, જિ. વલસાડને સરપંચ પદ પરથી દૂર કરવામાં આવે છે.તાલુકા વિકાસ અધિકારીની સહી અને કચેરીના સિક્કા સાથે જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રામ પંચાયતોમાં થતી ગેરરીતિઓ સામે કડક સંદેશો મળ્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્નાં છે, જ્યારે ધરમપુર તાલુકામા આ મામલો  ચર્ચાનો વિષય બન્યો છે.