Vishesh News »

વાપીમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાના માર્ગ પર પોલીસની ફલેગમાર્ચ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૬ ઃ રામનવમી પર્વ ઍટલે કે ભગવાન શ્રીરામના જન્મ દિવસને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. વાપી પંથકમાં પણ સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય રામ નવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને ઍ માટે વલસાડ જિલ્લા પોલીસવડા અને વાપી ડિવિઝનના ડીવાયઍસપીની આગેવાનીમાં વાપીમાં યાત્રાના રૂટ પર ફલેગ માર્ચ યોજી યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ઇમરાન નગર મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને જમીયતે ઉલમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાને પોલીસ અધિકારીઓને આવકાર આપી યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જરૂરી ચર્ચા કરી હતી. વલસાડ જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલાની આગેવાનીમાં વાપી અને વાપી જીઆઇડીસી વિસ્તારમાં આયોજિત આ ફલેગ માર્ચ કમ ફૂટમાર્ચ માં વાપી ડિવિઝનના ડીવાયઍસપી બી. ઍન. દવે, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી, ડુંગરા પોલીસ મથકના પીઆઈ, પીઍસઆઈ ઉપરાંત આરઆરઍફ કંપનીની પ્લાટૂન, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો જોડાયા હતાં. ફલેગ માર્ચ રામનવમીની શોભાયાત્રાના સમગ્ર રૂટ ઍવા વાપી ટાઉન વિસ્તાર, જીઆઇડીસી વિસ્તાર, ડુંગરા વિસ્તારમાં ફરી હતી. લોકોને શોભાયાત્રા દરમ્યાન શાંતિ જાળવવા અપીલ કરી હતી. તો, ઇમરાન નગર વિસ્તારમાં આવેલ મસ્જિદ ખાતે મુસ્લિમ અગ્રણીઓઍ પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓનું સ્વાગત કરી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી જરૂરી ચર્ચા કરી હતી. સાથે વાપી સેલવાસ રોડ ઉપર આવેલ ગાંધી સર્કલથી ગરીબ નવાજ મસ્જિદ સુધીના માર્ગ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા શોભા યાત્રામાં આવનાર ભક્તોને ઠંડું પાણી શરબત તથા નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્નાં છે.