Vishesh News »

વલસાડમાં ૪ દિવસમાં ૯ વ્યક્તિ કુલ ૩૫ ઉમેદવારી પત્ર લઈ ગયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૫ ઃ લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે બીજી તરફ હાલમાં ઉમેદવારી પત્ર મેળવવાની અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સોમવારે ૨૬- વલસાડ બેઠક (અ.જ.જા.)ના ભાજપના ઉમેદવાર ધવલ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.૩૭, રહે. ઍ-૮૧, સ્વસ્તિક રો હાઉસ, વિજ્યાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટી, જંહાગીરાબાદ, સુરત) ઍ પોતાના નામથી ૩ ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ચોથુ ઉમેદવારી પત્ર ઉષાબેન ગીરીશકુમાર પટેલ (ઉ.વ. ૫૬, રહે. ૧૮૮, બ્રાહ્મણ ફળિયા, પરિયા, તા.પારડી, જિ.વલસાડ)ના નામથી ભરાયું હતું. આમ, વલસાડ-ડાંગ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચાર ઉમેદવારી પત્રો ભરી શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ સિવાય જિલ્લા ચૂંટણી શાખામાંથી તા.૧૨ ઍપ્રિલથી રોજે રોજ વિવિધ રાજકીય પાર્ટી વતી સંભવિત ઉમેદવારો અથવા તેમના સમર્થકો ફોર્મ લઈ જઈ રહ્ના છે ત્યારે આજે સોમવારે વીવીઆઈપી (વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી)ના ઍક વ્યકિત ૩ ફોર્મ લઈ ગયા હતા. આમ, અત્યાર સુધીમાં ૪ દિવસમાં કુલ ૯ વ્યકિત ૩૫ ફોર્મ લઈ ગયા છે. જેમાંથી ભાજપના ઉમેદવારે સૌ પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા. ૧૯ ઍપ્રિલ ૨૦૨૪ છે. જ્યારે ૨૦ ઍિ-લના રોજ ફોર્મ ચકાસણી થશે અને તા. ૨૨ ઍપ્રિલના રોજ ઈચ્છુક ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. વલસાડ જિલ્લા ચૂંટણી શાખા હાલ આખો દિવસ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીથી ધમધમી રહી છે. વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્ડ ધ ક્લોક’’ કામગીરી કરી રહ્નાં છે.