Vishesh News »

ડાંગમાં સવારમાં અસહ્ના ગરમી અને સાંજે વરસાદી માહોલથી જનજીવન ત્રસ્ત બન્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૫ ઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં દિન પ્રતિ દિન ગરમી દઝાડી રહી છે અને આજે આહવા, વઘઇ, અને સુબિર પંથકનાં ગામડાઓમાં ૪૨ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સાપુતારા પંથકમાં ૩૬ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ. ડાંગ જિલ્લામાં સોમવારે અસહ્ના ગરમી અને ઉકળાટની વચ્ચે વાદળો પણ ઘેરાતા મિશ્ર વાતાવરણ જોવા મળ્યુ હતુ. ડાંગ જિલ્લામાં દ્વિભાસી વાતાવરણનાં પગલે લોકો પણ મુંઝાયા હતા.ડાંગ જિલ્લામાં વાતાવરણનાં પલટાનાં પગલે ખેડૂતોનાં કઠોળ સહિત ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ હતી. ત્યારે મૌસમ વિભાગની આગાહીને લઈને રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં કમોસમી વરસાદ તૂટી પડતા ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારા અને શામગહાન પંથકમાં કમોસમી વરસાદનાં પગલે માર્ગો પાણીથી તરબોળ બન્યા હતા. તથા પવનનાં જોરદાર સુસવાટા પણ અનુભવાયા હતાં.