Vishesh News »

વાપીના ચણોદથી આંબેડકર જયંતિઍ વિશાળ રેલી યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વાપીમાં આજે ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ વિશાળ રેલી ચણોદથી નીકળી વાપીના વિવિધ વિસ્તારોમાં ફરી ત્રીનેત્ર સર્કલ ચણોદ ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સતિષભાઈ પટેલ તેમજ અગ્રણી આગેવાનો પણ જોડાયા હતા દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત ઍવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર, સમ્રાટ અશોકા મહાત્મા જ્યોતિબા ફુલે સંયુક્ત સમિતિ વાપીના નેજા હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં નીકળેલી આ શોભાયાત્રા ચણોદ ખાતે આવેલ સાગ ફળિયાના આંબેડકર નગરથી પ્રસ્થાન થયું હતું. ધજા પતાકા સાથેની આ શોભાયાત્રામાં ભીમરથ, ડીજે, ઢોલ નગારા તેમજ રમાઈ મહિલા બ્રિગેડની લેઝીમ પથક સામેલ કરાઈ હતી. જેણે શહેરીજનોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી શોભાયાત્રા ચણોદના ત્રીનેત્ર સર્કલ પર પહોંચી ત્યારે ત્યાં ત્રણેય મહાનુભાવોની પ્રતિમા પર ફુલવર્ષા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં જોડાયેલ ભીમ સૈનિકોઍ પ્રતિમાને વંદન કર્યા હતાં. આ શોભયાત્રા ભડકમોરા, ચાર રસ્તા, ઈમરાનગર, ગાંધી સર્કલ કોપરલી રોડ થઈને ગુંજન વંદે માતરમ ચોક, અંબામાતા મંદિર, મોરારજી સર્કલ, પ્રાઈમ હોટલ, વિશાલ મેગા માર્ટ થી વીઆઈઍ હોલ ચાર રસ્તા થઈ મોડી સાંજે ફરી ત્રીનેત્ર સર્કલ પર પહોંચી હતી. જ્યાં સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ રેલીનું ઠેર ઠેર વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.