Vishesh News »

બીલીમોરા પાસે આંતલીયા-ઉંડાચનો કાવેરીના પુલનું કામ પુર્ણ નહીં કરાય તો ચૂંટણીનો બહિષ્કાર થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૧૧ ઃ બીલીમોરા નજીક આંતલીયા-ઉંડાચ માર્ગ ઉપર કાવેરી નદી પૂલ ને રૂ.૪૫૪.૪૦ લાખના ખર્ચે પુનઃ ધબકતો કરવાનું કામ મંથરગતિ ઍ ચાલી રહ્નાં છે. જેને પગલે વીતેલા બે વર્ષથી હાલાકી ભોગવતા ગ્રામજનોઍ ગુરુવાર સવારે પૂલ નહીં તો મત નહીં નાં ગગનભેદી નારા સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને બેનર લગાવી ઉંડાચ, જેસીયા, વાઘલધરા, બલવાડા ગ્રામજનો નો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કરી, જ્યાં સુધી પૂલ નહીં બને ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે, અન્ય લોકોઍ મત માંગવા આવવું નહીં ઍવી ચીમકી આપતા રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો હતો. આંતલીયા-ઉંડાચ ગામે કાવેરી નદી ઉપર ૮ વર્ષ અગાઉ અંદાજિત રૂ.૮.૫૦ કરોડ ના ખર્ચે પૂલનું લોકાર્પણ કરાયું હતું. બે વર્ષ અગાઉ ચોમાસા દરમિયાન આંતલીયા ઉંડાચને જોડતા કાવેરી નદી પૂલના પાયા હચમચી ગયા હતા. અને ઉંડાચ તરફના છેડે પિલર બેસી જતા સ્પાનનાં ઍલાઈટમેન્ટ ખોરવાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. જેને પગલે બંને તરફનાં લોકોની હાલાકી વધી હતી. ચોમાસામાં જૂનો ડુબાઉ પૂલ ડૂબી જતાં હાઇવે થઈ ૨૦ કીમી લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી. તો બીજી તરફ બીલીમોરા વાસીઓ માટે વલસાડ તરફ જવા હાઈવે નં.૪૮ નો શોર્ટ કટ બંધ થયો હતો. દરમિયાન ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલે મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હતી. જેની ફલશ્રુતિમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત રૂ. ૪૫૪.૪૦ લાખની સૈદ્ધાંતિક મંજૂરી ફાળવણી કરી હતી. રાજ્ય માર્ગ મકાન વિભાગે આંતલીયા-ઉંડાચને જોડતા બ્રિજ પી-૧ અને પી-૨ પાસે સ્ટ્રક્ચરને ઊંચું કરી, મૂળ જગ્યાઍ પ્રસ્થાપિત કરી પુનઃ ધબકતો કરવા કામગીરી શરૂ કરી હતી. તેમ છતાં લાંબા સમયથી સ્થળ ઉપર કામગીરી આગળ વધતી ન હતી. જેને પગલે લોકોમાં આંતરીક અસંતોષ ખદબદતો હતો. જે ગુરુવારે સપાટી ઉપર આવ્યો હતો. અને ગ્રામજનો ગુરુવાર સવારે પૂલ નીચે ઍકત્ર થયા હતા. જેમણે પૂલ નહીં તો મત નહીંનાં ગગનભેદી નારા સાથે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. અને પૂલ ઉપર બેનર લગાવ્યું હતું જેમાં ઉંડાચ, જેસીયા, વાઘલધરા, બલવાડા ગામજનોનો સંપૂર્ણ બહિષ્કાર, પૂલ નહીં તો મત નહીં, જ્યાં સુધી પૂલ નહીં બને ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતા કે અન્ય લોકોઍ મત માંગવા આવવું નહીંની ચીમકી આપી હતી. જેને પગલે લોકસભા ચૂંટણી અગાઉ રાજકીય ગરમાટો વ્યાપી ગયો હતો. સમગ્ર મામલે નવસારી માર્ગ મકાન (પંચાયત) નાં ઈજનેર ઍન.ઍન.પટેલ અને ગણદેવી માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર કે કે પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે ૪.૫૪ કરોડની ફાળવણી કરી હતી. જે બાદ કલોલનાં રાજકુમાર કન્સ્ટ્રક્શને કામગીરી હાથ ધરી હતી. પ્રથમ પૂલ ઉપર ભવિષ્યનાં લોડ આધારે સોઈલ અને પિલર ટેસ્ટિંગ હાથ ધર્યા હતા. જેમાં નિષ્ફળતા મળી હતી. જે અંગે ગાંધીનગર રિપોર્ટ કરી માર્ગદર્શન મંગાયું હતું. જેનો રિપોર્ટ સંભવતઃ આવતી કાલે આવશે. જે બાદ પિલરની ઉંડાઈ વધારશે. ઍક પિલર ઉપર ૪ પાયા પ્રમાણે બે પિલર ઉપર કુલ ૮ પાયા બનાવવામાં આવશે. અને મેઈન સ્લેબમાં સુધારો કરી આગામી ચોમાસા અગાઉ પૂલ ખુલ્લો મુકાશે.