Vishesh News »

વલસાડ પાઠશાળા ઐતિહાસિક સ્મારક ઘોષિત થયા પછી સોમવારથી ફરી શરૂ થશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ ઃ થોડા સમય અગાઉ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ તેમજ ગ્રંથાલય વિભાગ, ગાંધીનગર અને રાજારામ મોહન રોય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકત્તાના સંયુક્ત ઉપક્રમે શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા સંચાલિત સાર્વજનિક/બાળ અને મહિલા પુસ્તકાલયના ૧૧૩ વર્ષના ઐતિહાસિક વારસો ધરાવતાં ભવનને ઐતિહાસિક સ્મારક તરીકે ઘોષિત કરી તેના પુનઃનિર્માણ માટે મંજુરી આપી હતી જે અન્વયે છેલ્લા થોડા સમયથી પુસ્તકાલયની સુવિધાઓ સ્થગિત કરવામાં આવી હતી. સંસ્થાના ભવનની નવા રંગ-રોગાન સાથે જીર્ણોધ્ધારની અને પુનઃસ્થાપનની કામગીરી પૂર્ણ થતાં સંસ્થાનું ભવન નવા ભવ્ય આકર્ષક દેખાવ અને જાહોજલાલી સાથે તેની તમામ પ્રવૃતિઓને તા. ૧૫/૦૪/૨૦૨૪ સોમવારથી પુનઃ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળાના નવા આકર્ષક ભવનને નિહાળવા પણ જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. તથા સંચાલકોઍ અગામી દિવસોમાં સંસ્થા દ્વારા દેશની સંસ્કૃતિનાં શ્રેષ્ઠ પાસાઓ અને ઉત્તમ રચનાત્મક કાર્યક્રમો સમાજ સમક્ષ રજુ કરવાનું શરુ કરશે ઍમ જણાવ્યું છે.