Vishesh News »

શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વાપીમાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૦ઃ આગામી તારીખ ૧૨મી ઍપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વાપીમાં વલસાડ જિલ્લાના ભાજપના ચૂંટાયેલા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ કી-વોટર્સ સાથે બેઠક યોજશે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગામી તારીખ ૧૨-૪-૨૦૨૪ને શુક્રવારના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વલસાડ-ડાંગ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર અર્થે વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વલસાડ-ડાંગ જિલ્લાના ધારાસભ્યો અને ચૂંટાયેલા ભાજપના જન પ્રતિનિધિઓ અને કી-વોટર્સ સાથે વિવિધ સમાજના પ્રમુખ તથા આગેવાનો સાથે વાર્તાલાપ કરશે તેમજ ભાજપના લોકસભાના ઉમેદવાર ધવલભાઇ પટેલને પાંચ લાખથી વધુ મતોની લીડથી વિજેતા બનાવવા અંગેની રણનીતિ અંગે પણ ચર્ચા વિચારણા કરશે.