Vishesh News »

બીલીમોરાની ડમ્પિંગ સાઇટ ઉપર ઘન કચરામાં ભેદી આગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૯ ઃ બીલીમોરા નગરપાલિકાની અંબિકા નદી કાંઠે ડમ્પિંગ સાઇટ ઉપર બુધવારે બપોરે ભેદી આગ ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા. બીલીમોરા ગંગા માતા ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી. બીલીમોરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘર ઘરથી સુકો-ભીનો કચરો અલગ અલગ તારવી ભેગો કરવામાં આવે છે. રોજિંદા ૧૦-૧૨ ટન થી વધુ કચરાને અંબિકા નદી પટ સ્થિત ડમ્પિંગ સાઇડ ઉપર નાખવામાં આવે છે. વર્ષ ૨૦૦૫માં નગરપાલિકાઓમાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને ૧૯ વર્ષ વિત્યા બાદ પણ વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલનો દૂર દૂર સુધી અમલ દેખાતો નથી. નિયમોનો છેદ ઉડાડી આગ વડે અકુદરતી રીતે કચરાનો નિકાલ કરાઇ રહયો હોવાની શહેરમાં ચર્ચા જાગી છે. છાસવારે કચરાના ઢગલામાં ભેદી રીતે આગ કોણ લગાડે છે તેની લોકોને ખબર પડતી નથી. ડમ્પીંગ સાઈડ ઉપર બુધવારે બપોરે ૧ કલાકે આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠયા હતા. જે નજીકના વિસ્તારમાં પ્રસરી જતા પૂલ ઉપરથી પ્રસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ આંખોમાં બળતરા સાથે થોડી વાર માટે થંભી ગયા હતા. સુકો-ભીનો અને પ્લાસ્ટિક કચરો બળીને ખાક થઈ ગયો હતો. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ ના અમલ સાથે પર્યાવરણ બચાવોની બૂમો ઉઠવા પામી છે. તે સાથે સોલિડ વેસ્ટ કચરાના નિકાલ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ સમયબદ્ધ પગલાં ભરે ઍ જરૂરી છે. કોસ્ટલ હાઇવે ઉપર બીલીમોરા અંબિકા નદી પૂલ લગોલગ ડંપિંગ સાઇટનો નજારો પર્યાવરણ પ્રેમીઓ માટે આઘાતજનક હતો. બીલીમોરા ગંગા માતા મંદિર જુના ફાયર વિભાગના મીની ફાયર ફાયટરે ઍક કલાકની જહેમત બાદ આગ ઠારી હતી.