Vishesh News »

ખખવાડામાં અકસ્માત ઝોન સમાન વળાંક ઉપર પુનઃ સ્પીડ બ્રેકરની માંગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ગણદેવી, તા. ૦૯ ઃ નવસારી-ગણદેવી સ્ટેટ ફોર લેન ઉપર ખખવાડા ગામનાં અત્યંત જોખમી વળાંક ઉપર અકસ્માત અટકાવવા ફરી સ્પીડ બ્રેકર સ્થાપિત કરવા ની માંગ કરાઈ છે. અકસ્માતો, ભય અને અસલામતીની અનિચ્છનીય પરિસ્થિતિ થી છૂટકારો મેળવવા ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યવાહીની ચીમકી અપાઈ હતી. ગણદેવી તાલુકાના ખખવાડા ગામ નાં જાણીતા પર્યાવરણવિદ ડો. જયેશ નાયક ઍ મામલતદાર અને પોલીસ મથકે ઍક આવેદન પત્ર પાઠવ્યો હતો. તે સાથે રાજ્યનાં મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્થાને નકલ રવાના કરી હતી. અને નવસારી-ગણદેવી સ્ટેટ ફોર લેન માર્ગ ઉપર ખખવાડા ગામે અત્યંત ભયજનક વળાંક ઉપર અગાઉ સ્પીડ બ્રેકર હતા. જે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન માર્ગ નાં નવીનીકરણ વેળા દૂર કરી દેવાયા હતા. નવા સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા નથી. પરીણામે સ્પીડ બ્રેકર વિનાનાં માર્ગ ઉપર વાહનો ફૂલ સ્પીડે દોડે છે. હાઇવે ઉપર ટોલ ટેક્ષ બચાવવા આ માર્ગે ફંટાઈને આવતા વાહન ચાલકો વળાંક ઉપર અકસ્માત નોતરે છે. તેમજ માર્ગ ની બંને તરફ વસવાટ કરતા ગ્રામજનો રોડ ક્રોસ કરવામાં તકલીફ અનુભવે છે. ખેડૂતોને ખેત પેદાશોની અવરજવર, બાલમંદિર થી હાઇસ્કુલ માં અભ્યાસ કરતા સાયકલ સવાર વિદ્યાર્થીઓ સતત અસલામતી અનુભવે છે. જેને પગલે લોકહિતમાં ખખવાડા ગામે વળાંક ઉપર પુનઃ સ્પીડ બ્રેકર પ્રસ્થાપિત કરવા માંગ કરી હતી. નવસારી માર્ગ મકાન વિભાગને જરૂરી સૂચના આદેશો આપવાની માંગ કરાઈ હતી. અગાઉ જે સ્પોટ ઉપર સ્પીડ બ્રેકર હતા ત્યાં ફરી સ્પીડ બ્રેકર બનાવવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યવાહીની ચીમકી અપાઈ છે. ખખવાડા ગામનાં જાગૃત ગ્રામજનોઍ તત્કાલીન ધારાસભ્ય પિયુષ દેસાઈને અકસ્માત સ્થળ અંગે રજુઆત કરી હતી. જે બાદ નવસારી માર્ગ અને મકાન વિભાગ દ્રારા ખખવાડા ગામે વળાંક ઉપર બે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા. જેને કારણે લાંબા સમય સુધી અકસ્માત ટાળી શકાયા હતા. દરમિયાન વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન માર્ગ નવીનીકરણ વેળા સ્પીડ બ્રેકર દૂર કરાયા હતા. જેને કારણે અકસ્માત વધી રહ્નાં છે. નવસારી-ગણદેવી સ્ટેટ ફોર લેન ઉપર ખખવાડા ગામે તીવ્ર વળાંક ઉપર થી પસાર થતાં ભારે, અતિભારે, મલ્ટી ઍકસલ વાહનો, રેતી, કપચી ભરેલા ઓવરલોડ વાહનો તેમજ નેશનલ હાઇવે નં.૪૮ ઉપર બોરીયાચ ટોલ નાકા નો ટેક્ષ બચાવવા ફંટાતા વાહનો પ્રાણઘાતક અકસ્માત નોતરે છે.