Vishesh News »

ધરમપુરમાં ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૯ ઃ દર વર્ષની જેમ આ વખતે પણ ધરમપુરના મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવાની તહેવારની ઉજવણી ધામધૂમથી કરી હતી. ધરમપુરમાં મુખ્યત્વે દસોંદી ફળિયુ, પ્રભુ ફળિયુ, માછીવાડ તેમજ અન્ય વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારજનોઍ ગુડી પડવાના તહેવારની ઉજવણી કરી હતી. ગુડી પડવો ઍ હિન્દુના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આ તહેવાર ચૈત્ર શુધ્ધ પ્રતિપદામાં ઉજવવામાં આવે છે આ તહેવાર સમગ્ર ભારતમાં અને મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે ઘરના દરવાજે ગુડી ઊભી કરવામાં આવે છે. ગુડી બનાવવા માટે લાંબા વાંસના છેડે રેશમી કાપડ બાંધવામાં આવે છે. તેના પર લીમડાના પાન, આંબાની ડાળીઓ અને ફુલોનાં હાર બાંધવામાં આવે છે. અને તેના પર હરડા મૂકવામાં આવે છે. આ ગુડી આકાશ તરફ ઊભી કરવામાં આવે છે. ગુડી ને વિજ્યનું પ્રતિક માનવામાં આવે છે. ગુડીપડવાના દિવસે લીમડાના પાનનું સેવન કરવાની રીત છે. ગુડીને બપોરે ૧૨ વાગે માન સન્માન સાથે ઉતારી ઍમની પૂજા કરી વિશિષ્ઠ વાનગી ઓનો થાળ ધરવામાં આવે છે.