Vishesh News »

આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા.૦૯ ઃ ધરમપુર ના આંબોસી ભવઠાણ પાંડવ ખડક તરફ જતા માર્ગ ઉપર બાઈક ચાલકે ઍક મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા થતાં તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પ્રા માહિતી અનુસાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુરગામના ડુંગરી ફળિયાના રહેવાસી અનિલભાઈ ઈશ્વરભાઈ વળવી પોતાની હિરો સ્પ્લેન્ડર મોટર સાઈકલ નંબર જીજે-૦પ-ઍસયુ-૮૦૯૬ને ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ બારી ફળિયાથી આંબોસીથી પાંડવખડક તરફ જતા રસ્તા ઉપર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રંગીબેન સકારામભાઈ ગવળી (ઉ.વ.૬૦), રહે. આંબોસી ભવઠાણ, નિશાળ ફળિયા, તા.ધરમપુરને અડફેટમાં લેતા તેઓને માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને સારવાર અર્થે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ સ્ટેટ હોસ્પિટલ ખાતે પી.ઍમ. માટે લઈ જવાયા હતા. મહિલાના પુત્ર જમસુભાઈ સકારામભાઈ ગવળીઍ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી બાઈક ચાલક ઈસમની અટકાયત કરી હતી.