Vishesh News »

વાપીના છરવાડા રોડ પર ગેસલાઈનમાં ભંગાણથી બપોરની રસોઈ ટલ્લે ચઢી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૭ ઃ વાપીના છરવાળા રોડ ઉપરની અનેક સોસાયટીઓમાં પહોંચતા રસોઈ ગેસની પાઇપલાઇનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં બપોરની રસોઈ નહીં બનતા હોટલની રસોઈનો સહારો લેવાયો. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસી અને વાપી ટાઉન વિસ્તારમાં આવતા છરવાળા રોડ ઉપરની તથા હરિયા હોસ્પિટલ વિસ્તારની અનેક સોસાયટીઓમાં આવેલ રસોઈ ગેસની પાઇપલાઇનમાં કોઈ કારણસર કે પાઇપલાઇનમાં ભંગાણ પડતા ગેસ સપ્લાય સવારે ૧૦ઃ૦૦ કલાકેથી આવતો બંધ થયો હતો અને જે બપોરના રઃ૩૦ કલાક બાદ શરૂ થયો હતો. જેના કારણે આ વિસ્તારોમાં આવેલ અનેક સોસાયટીઓમાં તેમજ બંગલાઓમાં રસોઈ બનાવવામાં મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક પરિવાર દ્વારા રસોઈ આજે બપોરની હોટલમાંથી તથા ઓનલાઈન ઓર્ડર આપી મંગાવું પડ્યું હતું. જેને કારણે મોંઘવારીના સમયમાં વધુ ઍક ખર્ચનો માર્ગ મધ્યમ વર્ગના પરિવારો પર પડતાં મહિલાઓ આ રસોઈ ગેસ સપ્લાય કરતી વાપીની ઍજન્સી ઉપર ભારે ગુસ્સે જોવા મળી હતી તો અનેક વિસ્તારમાંથી ગેસ લાઇન કેમ બંધ રખાય છે ? તેવા સવાલો કંપનીની કચેરીમાં ફોનથી કરવામાં આવી હતી. જોકે બપોર બાદ ગેસ સપ્લાય શરૂ થતા જ ગૃહણીઓઍ રાહતનો દમ લીધો હતો.