Vishesh News »

ઉમરગામની કંપની સાથે ૮.૧૬ કરોડની ઠગાઇમાં મેનેજરના આગોતરા ફગાવ્યા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ઉમરગામ,તા.૫ઃ ઉમરગામની અપાર કંપની સાથે ૮.૧૬ કરોડની ઠગાઇ કરનાર મેનેજરે પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે તેને ફગાવી દીધો છે. મેનેજરે તેના સાગરીતો સાથે મળી ખોટા સર્વિસ ઓર્ડર બનાવી તેને અપ્રુવલ આપી કંપનીના ઍકાઉન્ટોમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ઉમરગામની અપાર ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપનીમાં ઍચઆરમાં જલધી ઓઝાઍ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન શક્તિ શિવકુમાર શુક્લા તેનો આસિસ્ટન્ટ રાકેશ સુરેન્દ્ર યાદવ, સાંઇનાથ ઍન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટમાં કામ કરતી શિતલ નિલેશ પંચાલ અને જયેશ છીબુ પટેલ દ્વારા કંપની સાથે છેતરપિંડી કરી અલગ અલગ ૬ ઍજન્સીને કુલ ૨૩૯ સર્વિસ ઓર્ડર કંપનીના યુઝરમાંથી બનાવી કંપનીના ઍકાઉન્ટમાંથી કુલ રૂ.૮.૧૪ કરોડ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી મેનેજર શક્તિ શિવકુમારુ શુક્લાઍ ગુરૂવારે વાપીના ઍડિશનલ સેશન્સ જજ ઍમ. પી. પુરોહિત સમક્ષ આગોતરા જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી કોર્ટે તેને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. ઉમરગામ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.