Vishesh News »

અમે પ્રાયઃ ઍકેઍક કાર્ય અશુભ મનાતા ચોઘડિયામાં શરૂ કર્યુ છે

મારા અનુભવો પદ્મવિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ (ગતાંકથી શરુ) મારા મસ્તિષ્કમાં માનવતાવાદી ધર્મ તથા માનવતાવાદી ધર્મસ્થાનોની કલ્પના છેઃ જે ધર્મમાં દીન-દુઃખી-લાચાર-અનાથને સહાયભૂત થવાની વૃત્તિ કેન્દ્રમાં હોય તથા જે ધર્મસ્થાનોમાં આવાં દુંખી માણસોને આશ્રય મળતો હોય, આવો ધર્મ તથા આવાં ધર્મસ્થાનો ભલે પોતપોતાની માન્યતા પ્રમાણે વિધિવિધાનો કર્યા કરે. તેની સાથે કે તેની સામે કોઈ વિરોધ નથી. પણ જે ધર્મમાં માનવતાને સક્રિય સ્થાન જ ન હોય, જે ધર્મસ્થાનો માત્ર દંભ-આડંબર અને અહંકાર પોષવાના જ નમૂના હોય તે સોનાના કળશવાળાં હોય કે છપ્પન ગજની ધજાવાળાં હોય, છપ્પન ભોગવાળાં હોય કે સોના-ચાંદીનાં સિંહાસનો તથા આભૂષણોથી ઊભરાતાં હોય, મારા માટે જરા પણ આકર્ષણને પાત્ર નથી. ભારતમાં ધર્મ તથા ધર્મસ્થાનોનો અભાવ નથી, અભાવ છે ધર્મને તથા ધર્મસ્થાનોને માનવતા તરફ વાળવાનો. જોકે આ દિશામાં મંદગતિઍ પણ વળાંક લેવાઈ રહ્ના છે તે આશાસ્પદ વસ્તુ કહેવાય. તે દિવસ સોનાનો હશે, જ્યારે પ્રત્યેક ધર્મગુરુ અને પ્રત્યેક ધર્મસ્થાન ભગવાનની ઉપાસનાની સાથે સાથે દુઃખી માણસો માટે પોતાનાં દ્વાર ખુલ્લાં મૂકી દેશે. જો આવું થશે તો ધર્મસ્થાનો દીપી ઊઠશે. કદાચ તેમને નિરાશ પણ થવું પડે. કારણ કે અત્યારે દુઃખિયાંઓની સંખ્યા ઍટલા માટે ઘટી ગઈ હશે કે ધર્મસ્થાનોઍ નિષ્ઠાપૂર્વકનો સક્રિય રસ લીધો હશે. કદાચ ઍવું બને કે રસોઈ બનાવી હોય પણ કોઈ દુઃખી માણસ જમનારો જ ન મળે. આ શક્ય છે, માત્ર કલ્પના જ નથી. સૂઈગામમાં દુષ્કાળ-રાહતનું કાર્ય પૂરું કરીને હું દંતાલી પાછો આવ્યો. સૂઈગામમાં જે કાર્ય કર્યું હતું તેનાથી જીવનમાં ઍક પ્રકારની તાજગી, સ્ફૂર્તિ અને ચેતના આવી હતી. જોકે ત્યાં શારીરિક-ભૌતિક પ્રતિકૂળતાનો પાર ન હતો. છતાં પણ સંહાયતા દ્વારા પ્રસન્ન થતા ચહેરાઓને સવારથી સાંજ સુધી જોઈ જોઈને અત્યંત પ્રસન્નતા તથા ધન્યતા અનુભવાતી હતી. સત્કાર્યોનો પણ ઍક પ્રકારનો રસ હોય છે. ઍક વાર ચાખ્યા પછી ફરી ફરીને ઍ જ કરવાનું મન થાય. જો સત્કાર્ય ન કરી શકાય તો ખાલીપણું લાગ્યા કરતું હતું. દંતાલી આવ્યા પછી આવું જ ખાલીપણું લાગ્યા કરતું હતું. બન્યું ઍવું કે આગલું વર્ષ ચરોતરમાં દુષ્કાળનું આવ્યું. જોઈઍ તેવો વરસાદ ન થયો તથા ખેતી લગભગ નિષ્ફળ ગઈ. મને થયું કે સૂઈગામની માફક અહીં પણ અન્નક્ષેત્ર શરૂ કર્યું હોય તો ? વળી વિચાર આવ્યો કે ના ના. અહીં અન્નક્ષેત્રની જરૂર નથી. આ લીલોછમ પ્રદેશ, ઉદ્યોગધંધાવાળો પ્રદેશ, બંગલાઓથી સુંદર દેખાતો પ્રદેશ જમવા આવશે ? અહીં અન્નક્ષેત્રમાં કોણથોડા દિવસ આવા પક્ષ-વિપક્ષના વિચારો થતા રહ્ના, અંતે તા. ૨૧-૧-૭૫ પોષ સુદ આઠમ ને મંગળવારના સવારે ઉદ્વેગ ચોઘડિયામાં અન્નક્ષેત્ર શરૂ કર્યું. ખરાબ ચોઘડિયામાં કાર્ય શરૂ કર્યું હોય તો ખરાબ પરિણામ આવે છે તે ભ્રાન્તિ નિવારવા માટે ઉદ્વેગ ચોઘડિયું લીધું. અમે પ્રાયઃ ઍકેઍક કાર્ય અશુભ મનાતા ચોગડિયામાં શરૂ કર્યું છે, પણ પ્રભુકૃપાથી કોઈ અશુભ પરિણામ નથી આવ્યું. હિન્દુ પ્રજા મુખ્યતઃ ત્રણ ભ્રાન્તિભરી માન્યતાથી જીવનને ગૂંગળાવે છે ૧. ડગલે ને પગલે પૂર્વનાં કર્મ - પ્રારબ્ધવાદ. ૨. જ્યોતિષનાં ગ્રહો-નક્ષત્રો-ચોઘડિયાં વગેરેથી અને ૩. અતિરંજિત આત્મવાદથી. લગભગ બધી જ બાબતમાં પૂર્વનાં કર્મને વચ્ચે લઈ આવી સમાધાન કરી લેવાથી પુરુષાર્થશક્તિ મોળી પડી જાય છે. કદાચ પૂર્વનાં કર્મ હોય તોપણ ડગલે ને પગલે ન હોય. અમેરિકાવાળા અંતરિક્ષમાં પહોંચ્યા છે તે પૂર્વના કર્મે પહોંચ્યા છે ? આપણે આજે ધરાતલ ઉપર પણ સારી રીતે જીવી શકતા નથી તે પૂર્વના કર્મે કરીને ? ના, ઍવું નથી. આવું જ ગ્રહો વગેરેનું. જ્યોતિષ દ્વારા વ્યક્તિની ઇચ્છાશક્તિને ઢીલી બનાવાય છે ! પહેલાં વરકન્યાની કુંડળીઓ જોવાતી નહિ, હવે જોવાય છે અને મંગળના કારણે ઘણી કન્યાઓ રખડી રડે છે. જ્યારે મંગળ નહોતો જોવાતો ત્યારે વરકન્યા કશાય વહેમ વિના ઍકબીજાને પરણી લેતાં. હવે મંગળે અમંગળ કરવા માડયું છે. આવી જ દશા કોરા આત્મવાદની છે. દેહ તથા વિશ્વનો વિરોધ, માત્ર આત્માની જ પોપટરટ કરતા રહેવું તે કોરો આત્મવાદ છે. આવી વાતોમાં જીવનનું સમાધાન નથી થતું હોતું. દંતાલીનું અન્નક્ષેત્ર જાણી કરીને ઉદ્વેગ ચોઘડિયામાં શરૂ કર્યું. જોતજોતામાં માણસો વધવા લાગ્યાં. મારી ધારણાથી ઊલટું નીકળ્યું. સૂઈગામ કરતાં પણ અહીં વધારે ગરીબાઈ હતી, વધુ ભૂખમરો હતો. ઍક તરફ સમૃદ્ધ માણસો હતાં તો બીજી તરફ તેટલાં જ કંગાળ માણસો પણ હતાં. ગામની ફરતે ઝૂંપડાંઓમાં રહેતી પ્રજા, આજીવિકા વિનાની થઈ ગઈ હતી. ઍક તરફ મિલો બંધ પડી હતી તો બીજી તરફ ખેતમજૂરી ન હોવાથી ખેતમજૂરો બેકાર થયા હતા. બે-પાંચ રૂપિયા માંડ કમાય તો તેમાંથી ચા-બીડીનો ખર્ચો કાઢતાં જે બે રૂપિયા વધે તેનો લોટ ઘંટીમાંથી લાવે. તેના લુખ્ખા રોટલા થાય, ભાગે પડતા ખાઈને અડધા ભૂખ્યા પેટે સૂઈ જાય. આ સમૃદ્ધ ચરોતરની વાસ્તવિકતા હતી.અહીં પણ સૂઈગામની માફક રોટલા ઉપર જમનારા તૂટી પડે. ચાર-પાંચ દિવસ ખૂબ ખાધું. પછી સામાન્ય સ્થિતિમાં આવી ગયા. ગામમાંથી પચ્ચીસ-ત્રીસ બહેનો રોટલા કરવા આવે. લગભગ અઢીમણના રોટલા અને તે પ્રમાણે તપેલું ભરીને દાળ બનાવીઍ. જોતજોતામાં બધું સાફ થઈ જાય. ઓહ !.... કેટલી ભૂખ સંતાઈને બેઠી છે ! રોજ દાળ અને રોટલાનું પેટ ભરીને જમવાનું શરૂ થયું. દંતાલીની બહેનોનો અમાપ ઉત્સાહ. ઘરનાં કામ પડતાં મૂકીને સૌ આવે. આઠ-દસ ચૂલા ઉપર સરસ મજાના રોટલા બનાવે. મોટું તપેલું ભરીને દાળ બનાવે. બધાં વાસણ ઘસે. બધાંને જમાડીને, બધું કામ પતાવીને ઍક વાગ્યે ઘરે જાય. કંતાનના માંડવા કરીને રસોડું બનાવ્યું. અને ઍ જ રીતે જમવાની જગ્યા પણ ગોઠવી. આજે બાર વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલી રહ્નાં છે. પ્રભુકૃપાથી અસંખ્ય વૃદ્ધો તથા દુઃખી માણસોઍ લાભ લીધો છે. મારા અનુભવથી કહી શકું કે જો આ અન્નક્ષેત્ર ન હોત તો કેટલાય ગરીબ માણસો બે-ચાર વર્ષ વધુ જીવ્યાં તે ન જીવ્યાં હોત. ઉદ્વેગ ચોઘડિયામાં શરૂ કરેલું આ અન્નક્ષેત્ર હજારોના ઉદ્વેગને સમા કરવામાં નિમિત્ત થયું છે. આજે તો આ અન્નક્ષેત્ર પાસે પર્યા ભંડોળ છે. ઍનો ખર્ચ જતાં વધતી રકમ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વગેરે માનવતા તથા વિદ્યાનાં કાર્ય માટે વપરાય છે. જીવન ઍટલે ગતિ, સતત ચાલ્યા જ કરો. ઊભું રહી જવું કે બેસી પડવું ઍટલે સ્થગિત થઈ જવું. ચણા-મગફળીની લારી ફેરવનારને ક્રમે ક્રમે કરીને ધંધામાં ગતિ કરવામાં જે આનંદ અને ઉત્સાહ આવે છે તે ગતિહીન, વિકાસહીન કરોડપતિને નથી આવતો. અટકી જવું ઍ મરી જવા બરાબર છે. જીવનની ગતિના ત્રણ મોટા અવરોધો છેઃ ૧. અકર્મણ્યતા, ૨. લક્ષ્યહીનતા અને ૩. અવ્યવસ્થા. ઘણા માણસોની સામે મુખ્ય પ્રશ્ન હોય છે સમય પસાર કરવાનો. લાંબો દિવસ અને લાંબી રાત, લાંબા મહિના અને લાંબાં વર્ષો કેમે કરી પાર નથી પડતાં. માત્ર બેસી રહેવું.... બસ બેસી રહેવું. પણ બેસી રહેવા માટે પણ વારંવાર જગ્યા બદલવી પડે. જો ઍક જ જગ્યાઍ બેસી શકાય તો યોગી જ કહેવાય. પણ ઍક જગ્યાઍ બેસી નથી શકાતું ઍટલે પાડોશીનું ઘર, ગામનો ચોરો, કોઈનો ઓટલો, મંદિર-મહાદેવનાં પગથિયાં કે પછી તળાવની પાળ. બેસી રહેવા માટે અનેક જગ્યાઓ છે. અને બેસી રહેનારા પણ અનેક છે. અકર્મણ્યતાને આધ્યાત્મિકતાનો સહયોગ મળ્યો ઍટલે અકર્મણ્યતા નવું નામ ધરીને આવી. નિવૃત્તિ. બસ નિવૃત્તિ...કોઈ પૂછે, શાનાથી નિવૃત્તિ ? કામક્રોધાદિ દોષોથી ? ના...ના ઍ છોડવાની ઇચ્છામાત્રથી છૂટી જનારા આવેગો નથી. ત્યારે શાનાથી નિવૃત્તિ ? કર્તવ્યોથી ? હા...હા આપણે કર્તવ્યોને ઊંચી ફિલસૂફી દ્વારા ઉપાધિ-માયા-પ્રપંચ ગણાવ્યાં અને પછી ઍને છોડવાનું નામ નિવૃત્તિ ઠરાવ્યું. પુરુષાર્થનાં પરિણામની ઈચ્છા અકર્મણ્યતાથી તો ન જ મળે ને ? આપણી અકર્મણ્યતાઍ આપણને દરિદ્ર બનાવ્યા. ફરી પાછી આધ્યાત્મિકતાને લઈ આવ્યા ઍ દરિદ્રતાને વિભૂષિત કરવા. (ક્રમશઃ)