Vishesh News »

બીલીમોરામાં લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૨ ઃ બીલીમોરા નજીક વર્ષો જૂનો કુદરતી કાંસ દેવસર, આંતલીયા, ધકવાડા ગામની સીમમાંથી પ્રસાર થાય છે. જેની ઉપર ધકવાડા ગામે કોઈકે પુરાણ કરી દેતા પાણીનો માર્ગ અવરોધાયો છે. પરિણામે યમુનાનગરવાસી ઉભરાતા ગંદા પાણીનાં ભરાવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સમસ્યાનું નિરાકરણ ન આવે તો ચૂંટણી બહિષ્કાર સુધીનાં પગલાં ભરવા આગળ વધી રહ્નાં છે. દેવસર, આંતલીયા ગ્રામપંચાયત અને ધકવાડા ગ્રામપંચાયતની અનેક સોસાયટીમાંથી નીકળતા ડ્રેનેજ વોટરનો કુદરતી કાંસમાં નિકાલ થાય છે. દરમિયાન આંતલીયા-ધકવાડાની જ્યાં હદ મળે છે ત્યાં ધકવાડા ગામે ગેરકાયદેસર કુદરતી કાંસમાં પુરાણ કરી દેવાયું છે. પરીણામે વહેતા પાણીનો પ્રવાહ અવરોધાયો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણીનો બંધિયાર અવસ્થામાં ભરાવો થયો છે. જેના નિરાકરણ માટે આંતલીયા ગ્રામપંચાયતને વારંવારની રજુઆતો બાદ પંચાયત ઍ ઠરાવ કરી કુદરતી કાંસ સફાઈની કામગીરી હાથ ધરી હતી. તાલુકા વિકાસ અધિકારી, ઍસઓનાં પ્રયાસો થકી કુદરતી કાંસ સફાઈ પણ થઈ હતી. થોડા સમય માટે લોકોને સમસ્યાથી છુટકારો મળ્યો હતો. તેમ છતાં ફરી અટકચાળો કરાતા સમસ્યા વકરી છે. હવે લોકો કંટાળ્યા છે. પોશ વિસ્તાર ગણાતી સોસાયટીમાં ઉભરાતા પાણીને પગલે પનપતા મચ્છર, રેલાતી દુર્ગંધને પગલે હવે આગામી ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી સમસ્યા સુલઝાવવા લોકો કમર કશી રહ્નાં છે. ત્યારે રાજરમત રમતા કેટલાક રાજકારણીઓની પોલ ખુલ્લી પડી જશે ઍ ચોક્કસ વાત છે.