Vishesh News »

છરવાડામાં પારિવારિક ઝઘડામાં પાંચ સામે ૪ માસ બાદ ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૧ ઃ વાપીના છરવાડાગામે ચાર માસ પહેલા ઍક હળપતિ પરિવારમાં ઝઘડો થતાં ભત્રીજી અને ભાભીને માર મારી ફેક્ચર કરવાના મુદ્દે પાંચ વિરુદ્ધ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૮-૧૧- ૨૦૨૩ ના રોજ રાત્રે ૮ઃ૦૦ કલાકે વાપીના છરવાડાગામે રહેતા ફરિયાદી પ્રકાશભાઈ રઘુભાઈ હળપતિ અને અશોકભાઈ રઘુભાઈ હળપતિ બંને ભાઈઓનો પરિવારમાં બબાલ થતાં અશોક રઘુભાઈ હળપતિ અને હીનાબેન અશોકભાઈ હળપતિ દ્વારા તેમની ભત્રીજી મીનલ પ્રકાશભાઈ હળપતિ તથા તેમની ભાભી સંગીતાબેન પ્રકાશભાઈ હળપતિ ઉપર લોખંડના સળિયા તેમજ ચાકુ વડે હુમલો કરી મીનલ હળપતિને પગમાં ફેક્ચર કરાતા વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ મુદ્દે રાતાગામના સરપંચ યોગેશ રામુભાઈ પટેલ, વિજય છોટુભાઈ પટેલ અને સુરેન્દ્રનગર ધીરુભાઈ પટેલ, અશોક હળપતિની તરફેણમાં ઘટના સ્થળે આવી ફરિયાદી પ્રકાશ હળપતિ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનું કારણ હતું કે અગાઉ ગામ પંચાયતમાંથી આવકના દાખલા લેવા ગયેલી મીનલ હળપતિને સરપંચ યોગેશ પટેલ દ્વારા દાખલો નહીં આપતા તેઓઍ આ અંગેની ફરિયાદ મીડિયા સમક્ષ કરતાં જે અંગે તેઓને મન દુઃખ થયું હતું જેને કારણે તેઓઍ ઘટના બાદ ફરિયાદીના ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જે અંગેની ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી તેમ છતાં જે અંગે કાર્યવાહી નહીં કરાતા ફરિયાદીઍ લેખિતમાં અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેના ડાયરેક્શન હુકમના આધારે તા. ૩૦-૩-૨૦૨૪ના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને તો તોહમતદારો સામે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.