Vishesh News »

લોકસભાની ૧૭ ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો

અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી વલસાડ, તા. ૨૯ ઃ વર્ષ ૧૯૪૭માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ વિશ્વમાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં પ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ ૧૯૫૧માં થઈ હતી, તે સમયે વલસાડ જિલ્લો તેમજ ગુજરાતનું અસ્તિત્વ ન હતું. હાલના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ સુરત જિલ્લામાં થતો હતો અને સુરતનો સમાવેશ બોમ્બે રાજ્યમાં થતો હતો ત્યારે સુરત લોકસભા બેઠકમાં બે સામાન્ય બેઠક હતી. આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લામાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આઝાદીના ૭૭ વર્ષ દરમિયાન અત્યાર સુધીની ૧૭ લોકસભા સામાન્ય ચૂંટણીના લેખા જોખા અને વલસાડ લોકસભા બેઠક સાથે જોડાયેલી રસપ્રદ માહિતી વલસાડ બેઠકના ભૂતકાળને જાણવા માટે મતદારોમાં ઉત્સુકતા જગાવે તેવી છે. આઝાદ ભારતમાં પ્રથમ વાર ૧૯૫૧માં થયેલી વિશ્વની સૌથી મોટી અને સૌથી જુની લોકશાહીની ઓળખ સમાન લોકસભાની ચૂંટણીમાં ૧૧- સુરતની બે સામાન્ય બેઠક પર મતદાન થતા ૮૬૧૩૩૬ મતદારોઍ પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતા ૫૭.૮૦ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં પ્રજાને પોતાના ઍક ઍક મતનું મહત્વ અને તેની શક્તિ સમજાતા ૧૯૫૭ની બીજી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી હતી. તે સમયે પ્રચાર પ્રસારના પૂરતા માધ્યમ ન હતા પરંતુ પ્રજાને લોકશાહીનું મૂલ્ય સમજાતા મતદાન વધ્યું હતું. ઈતિહાસની તવારીખમાં જોઈઍ તો આ જ સમય ગાળામાં બીજી રસપ્રદ વાત ઍ બની હતી કે, આ જ ચૂંટણીમાં ૨૧- વલસાડ(અ.જ.જા) લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી અને તા. ૨૫ ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ બીજી લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થતા ૩૮૯૫૬૭ મતદારોમાંથી ૨૪૭૦૬૯ મતદારોઍ મતદાન કરતા ૬૩.૪૨ ટકા મતદાન થયું હતું. તા.૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યનું વિભાજન થતા ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ ૧૯૬૨માં ત્રીજી લોકસભાની સામાન્ય ચૂંટણી તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૨ના રોજ થઈ હતી. તે સમયે ૬૪.૮૧ ટકા મતદાન થયું હતું. તા. ૧ જૂન ૧૯૬૬ના રોજ સુરતમાંથી વલસાડ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો ત્યારે હાલનો નવસારી જિલ્લો પણ વલસાડમાં જ સમાવિષ્ટ હતો. સુરત અને વલસાડ જિલ્લો છુટો પડ્યા બાદ ચોથી લોકસભા સામાન્ય ચૂંટણી તા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ થઈ હતી. ત્યારે નોંધાયેલા ૪૬૫૦૦૦ મતદારોમાંથી ૨૮૮૫૭૪ મતદારોઍ મતદાન કરતા ૬૨.૦૬ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ તા. ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ વલસાડમાંથી નવસારી જિલ્લાનું વિભાજન થયા બાદ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બારમી લોકસભાની ચૂંટણી થતા વલસાડ-ડાંગ જિલ્લાની ૨૬- વલસાડ લોકસભાની બેઠક પર ૧૧૩૩૨૬૬ મતદારોમાંથી ૬૪૦૫૨૯ મતદારોઍ મતદાન કરતા ૫૬.૫૨ ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીમાં કુલ ૧૭ વાર લોકસભા સામાન્ય ચૂંટણી થઈ ચૂકી છે જેમાં વલસાડ બેઠકની વાત કરીઍ તો લોકસભાની વલસાડ બેઠક પર સૌથી વધુ વિક્રમી મતદાન ૨૦૧૯માં ૧૭મી લોકસભાની સામાન્ય ચૂટણીમાં ૭૫.૪૮ ટકા જેટલું થયું હતું. જયારે સૌથી ઓછુ મતદાન ૧૯૯૧માં ૧૦મી લોકસભાની સામાન્ય ચૂંટણી વખતે માત્ર ૩૫.૨૩ ટકા મતદાન થયું હતું અને હવે આગામી તા. ૭ મે ના રોજ ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ૭૭ વર્ષના આ સમયગાળામાં પ્રથમ લોકસભા ઈલેકશનમાં ૮૬૧૩૩૬ મતદારોઍ મતદાન કર્યુ હતું. ત્યારે આગામી ૧૮મી લોકસભાની ચૂંટણીમાં ૧૮૪૮૨૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભારતની ગૌરવશાળી લોકશાહીને જીવંત રાખવા પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે, ઉલ્લેખનીય છે કે, આ સમયગાળામાં સૌથી વધુ મતદારો ૧૮મી લોકસભા ચૂંટણીમાં નોંધાયા છે અને દેશ આઝાદ થયા બાદ થયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો અને અસ્તિત્વ દરેક લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે.