Vishesh News »

પારનેરા વિસ્તારમાં ફરી દિપડાઍ વાછરડાનો શિકાર કરતાં લોકોમાં ભય

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ છેલ્લા બે મહિનાથી વલસાડના પારનેરા જયહિંદ ચોક તથા આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાતો હોવાથી અતુલ ગ્રામપંચાયત દ્વારા ડુંગર પર ચેતવણીના બોર્ડ મારાયા બાદ આજરોજ મળસ્કે દીપડાઍ વાછરડાનો શિકાર કરતા પારનેરા વિસ્તારમાં રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડ તાલુકાના પારનેરા ઝંડા ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ડુંગરની આસપાસના વિસ્તારોમાં સાંજકે રાતના સમયે હિંસક પ્રાણી દીપડો ફરતો હોવાથી ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે. થોડા દિવસ અગાઉ જયહિંદ ચોક વિસ્તારમાંથી દિપડો રસ્તો ક્રોસ કરતો હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ વન વિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ આ દીપડો પાંજરાથી દૂર રહી કેટલાક પાલતુ પશુઓનું પણ મારણ કર્યું હતું. વિસ્તારમાં ફરતો દીપડો કોઈ માણસ ઉપર હુમલો ન કરે અને ડુંગર પર દર્શને આવતા ભક્તો તેનો ભોગ ન બને તે માટે અતુલ ગ્રામ પંચાયત દ્વારા લોકોને જાગૃત કરવા માટે પારનેરા ડુંગર પર તેમજ આજુબાજુ વિસ્તારમાં જાહેર ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ મળસ્કે પારનેરાના જય હિન્દ ચોક વિસ્તારમાં આવેલા નવ ગાળા ઘરની સામે દીપડાઍ વાછરડાનો શિકાર કરતા વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે આ અંગે વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.