Vishesh News »

ડાંગમાં હોળી પહેલા ભરાતા ભૂરકુંડિયા બજારોમાં માનવ મહેરામણ ઉમટયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતરા, તા. ૧૯ ઃ ડાંગ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનાં હાટ બજાર ઍવા ભૂરકુંડિયા બજારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ હાટ બજારોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તેમજ આદિવાસી સમાજના લોકો દ્વારા વિશેષ વેશ મુખટો ધારણ કરીને ફાગ માંગવામાં આવ્યો હતો. હોળીનાં પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્ના છે. ત્યારે ડાંગ જિલ્લાના ગામે ગામ ભરાતા હોળીના હાટ બજારોમાં સ્થાનિક આદિવાસીઓ મિજાજ સાથે ખરીદી કરી રહ્ના છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કાલીબેલ અને આહવા તાલુકાનાં ગલકુંડ ખાતે હોળીનો હાટ બજારો ભરાયા હતા. જેને સ્થાનિકો દ્વારા ભૂરકુંડિયા બજાર તરીકે ઓળખાવે છે. આ ભુરકુંડિયા બજારોમાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારના લોકોની ભીડ ઉમટી પડી હતી. આ બજારોમાં વિવિધ સામગ્રીઓનાં ખરીદીનાં સ્ટોલ લગાવી આસપાસના વિસ્તારનાં વેપારીઓ સહભાગી થયા હતા. સાથે આ ભૂરકુંડિયા બજારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તથા પ્રજાજનોના જાન માલની સલામતી માટે ડાંગ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.