Vishesh News »

કાસ્ટોનીયા પ્રા. શાળાના કમ્પાઉન્ડમાં જર્જરિત ફોરેસ્ટ વૉચિંગ ટાવર બાળકો માટે જોખમી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૧૭ : કપરાડા તાલુકાના કાસ્ટોનીયા ગામે આવેલી પ્રથીમિક શાળા ચાલે છે. આ શાળાના કમ્પાઉન્ડમાં ફોરેસ્ટ વિભાગે વૉચિંગ ટાવર બનાવવા માં આવ્યું હતું. આ ટાવર હાલે જર્જરિત હાલત માં હોવાને લઈ બાળકો માટે જોખમી બની ચૂક્યું છે. આ શાળામાં ૧૬૫ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ટાવર નીચેથી અવર જવર કરતા અને રિસેસ દરમિયાન ટાવર નીચે રમતા બાળકો માટે જોખમી હોવાને લઈ શાળાના મુખ્ય શિક્ષકે ફતેપુર રેન્જ વિભાગને લેખિત માં રજુઆત કરી ટાવર હટાવવા માંગ કરી હતી. પ્રાપ્ય વિગત મુજબ કપરાડા તાલુકાના ફતેપુર રેન્જ વિભાગે વર્ષો પહેલા વૉચિંગ ટાવર કાસ્ટોનીયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવ્યું હતું. જે હાલે જર્જરિત હાલતમાં જોવા મળે છે. જે અંગે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ટાવર હટાવવા માટે કરેલી વારંવારની રજુઆત છતાં તંત્ર દ્વારા ટાવર હટાવવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ ગ્રામજનો તથા વાલીઓમાં રોષ જોવા મળી રહ્ના છે. ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત ટાવર ચોમાસા દરમિયાન વાવાઝોડા આવે તો હાલતું હોવાનું જાણવા મળે છે. આ જર્જરિત ટાવર ન હટાવવામાં આવે તો ક્યારેક મોટી હોનારત સર્જે તેવા ઍંધાણ વર્તાય રહ્ના છે. આ ટાવર ફોરેસ્ટ વિભાગ માટે હાલે કોઈ પણ પ્રકારનું ઉપયોગી નથી હોવાનું જાણવા મળે. માત્ર શાળાના કમ્પાઉન્ડમાં જગ્યા રોકી બાળકો માટે જોખમી બની રહ્નાં છે. જે અંગે ફતેપુર ફોરેસ્ટ વિભાગ બાળકો માટે જોખમી બનેલું ટાવર તાત્કાલિક દૂર કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.