Vishesh News »

કહાનેથર કશ્મીર

ચસ્મે બદૂર કશ્મીર - ડો. રાધિકા ટીક્કુ, વલસાડ હિન્દુ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીના ૧૬ સંસ્કારો મુખ્ય હોય છે અને અન્ય ધાર્મિક વિધિઓ, વિવિધ પ્રસંગોઍ થતી હોય છે. આ શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓમાં ગહેરું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે. દેવોની ઋચાઓનું સ્તવન કરીને ઋષિઓઍ રચેલા વેદો, પુરાણો અનેક શાસ્ત્રોમાં શ્લોકો આધારિત દેવો અને દેવીઓની પૂજાઓ છે. કાશ્મીરી પંડિતોઍ પણ શાસ્ત્રોને અનુસાર દરેક અવસરોની પૂજા નક્કી કરેલ છે. જેમાં ઍમની ભાષા અનુસાર વિવિધ નામો છે જેવા કે, સંધ્યા ચોંગ, ફિર થુર, લાય બોય, દિવત ગુલ્ય, શંખ વાયુન, વારિદાન, બન્દ્ર ફશ, મનન માલ, થાલ ભરુન ......વગેરે વગેરે.. યાદી ઘણી લાંબી છે.. બાળકના જન્મ પછી ઘણા પ્રસંગો આવતા હોય છે અને જેની ઉજવણી સમૂહમાં અને બંને પરિવારોના મિલનથી થતી હોય છે. કાશ્મીરી પંડિતોની દરેક ધાર્મિક વિધિ રસ ભરી અને ભારે અર્થપૂર્ણ પણ હોય છે. વિસ્થાપિત થયા પછીના અમુક ધાર્મિક સંસ્કારોની ઉજવણીમાં સ્થળ અને સમયને અનુલક્ષીને ઘણું પરિવર્તન તો આવ્યું છે પણ કાશ્મીરી પંડિતોઍ સંસ્કારોનું તત્વ જાળવી રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે .જે ખરેખર, તાજુબની વાત છે. કહાનેથર સંસ્કાર ઍ કશ્મીરી પંડિતોમાં શિશુના જન્મ પછીનો મુખ્યત્વે અને જરૂરી સંસ્કાર ગણાય છે. પંડિતો ઍને ખૂબ સારી રીતે ઉજવે છે અને ઍમાં ખૂબ ધાર્મિક આસ્થા પણ રાખે છે. કહાનેથર સંસ્કાર બાળકના જન્મ પછીના ૧૧માં દિવસે થાય છે. આ કહાનેથરમાં બે શબ્દો છે. જેમાં કહાને ઍટલે કે કાશ્મીરમાં અગિયાર ૧૧ અને થર ઍટલે કે નક્ષત્ર... માનવ શરીરનું સૂક્ષ્મ સંચાલન મનના આંદોલનો વિચારોના વલયો નક્ષત્ર સાથે જરૂર સંકળાયેલા છે. આ બ્રહ્માંડનું સંચાલન કરતી અદ્રશ્ય શક્તિ, નક્ષત્રોનું ભ્રમણ આ સહુ પણ માનવ જીવનને અસર કરે છે. ઍમ તો, આખું બ્રહ્માંડ ચલિત છે અને અનંત અવકાશમાં નક્ષત્રોનું પરિભ્રમણ પણ સતત થતું રહે છે. પંચાંગની રચનામાં ગ્રહોની નક્ષત્રોની સ્થિતિ, નાડી, ગ્રહોનું ગોચર પણ સંલગ્ન છે. સૂર્ય અને ચંદ્રની સ્થિતિનો પણ ઍમાં સમાવેશ થાય છે. ચંદ્રની વિવિધ કળાઓ, ગ્રહણ, સૂર્યોદય, સૂર્યાસ્ત પણ માનવજીવનને અસર કરતા હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી ઘરમાં સૌચ ઍટલે કે સૂતક આપણે માનીઍ છીઍ. જેને કાશ્મીરી ભાષામાં હોંચ કહે છે. બાળકના જન્મ પછીના ૧૧મા દિવસે ઘરની માતાની શિશુની અશુદ્ધિઓ દૂર થાય છે. જેથી ૧૧મા દિવસનું ઍક અલગ મહત્વ છે. અગિયારમા દિવસે પંડિતો કહાનેથર સંસ્કાર કર્યા પછી જ સહુ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને ઘરમાં શુદ્ધતા અને પવિત્રતાનું વાતાવરણ સર્જાઇ જતું હોય છે. આ કહાનેથર સંસ્કાર પૂર્ણ થયા પછી જ ઘર પરિવારમાં કોઈપણ ધાર્મિક વિધિની શરૂઆત થઈ શકે. હિન્દુ ધર્મમાં અનંત જન્મ પૂર્વ જન્મનું રહસ્ય અને બીજી અનેક વિગતો સંકળાયેલ છે. હિંદુ ધર્મ અનુસાર બાળકના ગયા જન્મના દોષોની શુદ્ધિ માટે જાત કર્મ સંસ્કાર કરવાનું શાસ્ત્રોમાં પણ ઉચિત પ્રમાણ છે. નવજાત બાળક જ્યારે પણ વધુ રડે છે ત્યારે આપણે સૌ ઍવી માન્યતા ધરાવીઍ છીઍ કે ઍને જરૂર પાછલા જન્મની યાદ કદાચ વધુ આવતી હશે... ઍમ તો, શાસ્ત્ર અનુસાર માનવ જન્મ ઘણી બધી ૮૪ લાખ ઍમ કે વિવિધ જન્મોપછી જ મળે છે. જેથી માનવ અવતાર દુર્લભ તો છે. જાતકર્મ સંસ્કારોમાં પણ ઘણું બધું વૈવિધ્ય છે. કહાનેથર સંસ્કારમાં બંને પક્ષના પરિવારજનો સમૂહમાં ભેગા થાય છે અને હોમ હવન પણ શાસ્ત્રોત વિધિ મુજબ કુલ પુરોહિત મારફત થાય છે. કહાનેથર પૂજા ઘરના મુખ્ય વ્યક્તિ દાદા કે નાના કરે છે. મુખ્યત્વે ઘરના વડીલ બુજર્ગ વ્યક્તિ મુખ્ય પૂજા કરે છે. વહેલી સવારે સ્વચ્છ સ્નાન કરીને નવી યજ્ઞપવિત ધારણ કરીને ઘરના મુખ્ય વ્યક્તિ કહાનેથર પૂજામાં જોડાઈ છે. અહીં ઘરની મૂળ વ્યક્તિનું, વડીલનું સન્માન પણ થાય છે. પરિવારના દરેક વ્યક્તિ કહાની થરની પૂજાના દિવસે વ્રત રાખે છે. પૂજા સમા ના થાય ત્યાં સુધી ફળાહાર કરી શકે છે આ ફલાહાર અને ફરાળી વાનગીઓમાં શિંગોડાના લોટના તળેલા શક્કરપારા, તળેલા બટાકા, દૂધ, દહીં અને વિશેષ કહાવા ચા ની વ્યવસ્થા થાય છે. કેમકે પરિવારના દરેક સભ્ય અહીં પૂજામાં જોડાય છે. સુવાવડી સ્ત્રીના પિયરના લોકો બાળક અને માતા માટે યથાશક્તિ મુજબ ભેટ સોગાદો પણ લાવે છે. જેમાં વિશેષ વિવિધ રમકડાં લઈ આવે છે. ઘરમાં ગુલાબી ગુલાબી બાળક જેવો આનંદ વિખેરાય છે. કહાનેથરની પૂજામાં નીચે મુજબના વિભાગોમાં વિશેષ પૂજા થાય છે જેમાં, ૧. કળશ પૂજા ૨. ધૂપ દીપ પૂજા ૩. ક્ષેત્રફળ પૂજા . ૪. નવગ્રહની પૂજા૫. ૫. માત્રિકા પૂજા ૬. યજ્ઞ આમ ,તબક્કાવાર દીર્ઘ પૂજા ઘરમાં જ થાય છે. ભૂમિ પર સૌપ્રથમ રંગોળી કરીને દેવ દેવીઓના ચિત્ર દોરીને ઍક તાંબાનો કળશ પૂજામાં મૂકવામાં આવે છે. જેમાં નદીનું પવિત્ર જળ ભરીને અખરોટ મૂકવામાં આવે છે. કાશ્મીરી પંચાંગના શ્લોકોને અનુસાર બધા દેવદેવીઓનું આહવાન કરીને ઍ પવિત્ર કળશમાં આરોપિત કરાય છે. આ પણ ઍક લાંબી ધાર્મિક વિધિ છે. કળશ પૂજા દ્વારા સમગ્ર દેવતાઓનું પૂજન થાય છે. કળશને ફૂલોની પાંખડીઓ પધરાવાય છે. જેથી આખો પૂજાનો કળશ પાંખડીઓથી ભર્યો ભર્યો ખૂબ જ સુશોભિત લાગે છે અને દેવનું સ્થાનક બની જાય છે. પૂજામાં વિશેષ અગરબત્તીઓ, ધૂપને જલાવીને પૂજામાં બેઠેલા વ્યક્તિઓ અને આખા ઘરમાંથી અશુદ્ધિઓ મલિન તત્વો દૂર થાય છે. ક્ષેત્રપાળ પૂજા પણ અહીં અગત્યની છે. દરેક પૂજામાં ક્ષેત્રપાળની પૂજા નું આગવું સ્થાન છે. કેમ કે ક્ષેત્રપાળનું કર્તવ્ય જ પૂજાનું સ્થાન, સ્થળ અને ઘરનું રક્ષણ કરવાનું છે. ક્ષેત્રપાલ તો મુખ્ય સંરક્ષક હોય છે. કોઈ પણ સંકટ વિના શુભ રીતે પૂજાને સંપૂર્ણ કરવાનું આ કામ ક્ષેત્રપાલનું હોય છે અને તેમાં તેનું મુખ્ય યોગદાન હોય છે. કહાનેથર પૂજામાં નવ ગ્રહની પણ વિશેષ વિધિવત પૂજા થાય છે. તેથી જન્મેલા બાળક પરથી અઘરા ગ્રહોની અસર ઓછી થાય અને સબળ ગ્રહોની ઊર્જા વધુ પ્રા થઈ શકે. રાહુ કેતુની મહા દશાનો ભાર પણ ઓછો થઈ જાય. ગ્રહોની સુંદર વિશેષ અસરથી બાળકને વિદ્યાવાન, દીર્ઘાયુ, નીરોગી આયુષ્ય પ્રા થાય અને જરૂરી દેવી કૃપા પ્રા થઈ શકે. દરેક ગ્રહોની વિશેષ કૃપાનો વરસાદ બાળક પર થાય ઍવી વિનંતી બાળકના દાદા કરે છે. ઍમ પણ, દાદા દાદીને પુત્ર કરતાં પણ વધુ પ્રીતિ પૌત્રો પર હોય છે અને પૌત્ર પૌત્રીના શ્રેય માટે તેઓ કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે. કળશ પૂજા પછી અગ્નિકુંડ પ્રજાવલિત કરીને યજ્ઞ થાય છે. જેમાં હોમ અને વિશેષ આહુતિ અપાય છે. યજ્ઞ પછી કશ્મીરી પંડિતો માત્રીકા પૂજા કરે છે. જેનું વિશિષ્ટ સ્થાન છે. અહીં સાત માત્રિકાઓની પૂજા થાય છે. જેના નામો આ મુજબ છે રાકા, અનુમતિ, શીનીવાલી, કુહ, ધાત્રી સર્વેશ્વરી. અનનેશ્વરી... જેને સ ગાથ માત્રિકાઓ પણ કહેવાય છે. જે આ માતાઓ બાળકનું વિશેષ કલ્યાણ કરે છે. જેથી આ સાત માતાઓનું પૂજન થાય છે. આ માતાઓ બાળકને સૌભાગ્ય પ્રદાન કરનારી, મંગલકારી અને યજ્ઞને સફળ કરનારી છે. પરિવારની દરેક સ્ત્રી મહિલાઓ જેવી કે દાદી, મામી, ફોઈ, ભાભી, બહેન, નણંદો, વહુ અને પિયરની દરેક સ્ત્રીઓ નવા વસ્ત્રો, નવા જ કાનના ઘરેણાં, અઠેરું અને નવી સાડીઓ પર નવી સોનેરી રૂપેરી કિનારી લગાવીને સુશોભિત થઈને પૂજામાં બેસે છે. અહીંની વિશેષ પૂજામાં કુલપુરોહિત પીળો ભાત અને ઘીને મિશ્રિત કરીને સાત પિંડ બનાવે છે. વરિષ્ઠ યજમાન ધરતી પર ચિત્રની રંગોળી બનાવીને ઍ સાત પિંડ રાખે છે. જેને કંકુના તિલક નારી વન, પુષ્પો, ફળ, દક્ષિણા અને ભોગ ધરાવે છે. આ પૂજા વિધિમાં સ્ત્રીઓ ઍકબીજાના હાથ થામી રાખે છે. પછી બધી જ બહેનો ઊભા થઈને ડાબેથી જમણી બાજુ હાથ ફેલાવીને સાત વખત ધરતી ઉપર પ્રદક્ષિણા કરે છે. જેને ઈશ્વરની પરિક્રમા ની સમાન માનવામાં આવે છે .પછી આ સ્થાપિત દોઉ દુગુલને પ્રણામ કરે છે. આ દિવસે બાળકની ફોઈબા રસોઈ ઘરમાં કશ્મીરી વિશિષ્ટ વ્યંજનો બનાવે છે. જેમાં ખીર અને અન્ય કાશ્મીરી મીઠાઈઓ બનાવે છે. સમગ્ર પૂજા સમા થયા પછી નવજાત બાળકના માતા અને પિતા બાળકને ખોળામાં લઈને યજ્ઞમાં ઘી અને અન્ય દ્રવ્યોની આહુતિ આપે છે. વૈદિક મંત્રોથી બાળકના દીર્ઘાયુ માટે યજ્ઞમાં આહુતિઓ આપે છે. તે સમયે ઍક સ્વચ્છ પાત્રમાં સોનાની વીંટી, નાડાછડી અને બીજા પાત્રમાં જળ, જાયફળ અને અન્ય વૈદિક ઔષધીઓ રાખીને પૂજામાં મૂકવામાં આવે છે. વૈદિક મંત્રોના ઉચ્ચારણથી પતિ પોતાની પત્નીના વક્ષસ્થળ ઉપર અભિભૂત જળના છાંટા ઉડાડે છે અને દેવીને પ્રાર્થના કરે છે કે, શિશુના ઉત્તમ પોષણ માટે વિપુલ માત્રામાં માતાના ઉરોજમાં દુગ્ધ ધારા વહેતી રહે... જે પાત્રમાં સોનાની વીંટી રાખેલ હોય તેમાં ઘી અને મધ નાખવામાં આવે છે અને સોનાની વીંટીથી બાળકની જીભ ઉપર ઓમ લખવામાં આવે છે. આ ઓમ શબ્દ ઍ ધાર્મિક છે અને ઓમ શબ્દથી ઍ આશીર્વાદ અપાય છે કે, બાળક ધર્મમાં આસ્થા ધરાવનાર અને વિદ્વાન બને. શિશુના માથે નાનકડું વસ્ત્ર ઓઢાડીને ફૂલોની પાંખડીઓની વર્ષા કરતા ખૂબ ખૂબ આશીર્વાદ અપાય છે અને બોલાય છે કે, હે પુત્ર, પથ્થરની જેમ દ્રઢ બન. કુહાડીની જેમ શત્રુ વિનાશક બન અને સોનાની જેમ તેજસ્વી બન.... શતાયુ ભવ આશીર્વાદ અહીં અપાય છે. ઘરની ફોઈબા સાત વાટકીમાં ખીર ભરીને લાવે છે તેની ઉપર અખરોટની ગીરી અને બદામથી સજાવટ થાય છે. પ્રેપ્યુન દ્વારા દરેક દેવ દેવીઓને ભોગ અર્પણ થાય છે. પરિવારજનો હાથમાં ફૂલો રાખીને આરતી કરે છે અને નાડાછડીમાં વીંટી પહેરાવીને બાળકને માળા પહેરાવવામાં આવે છે. થોડા દિવસો સુધી આ નાડાછડી ભરેલી વીંટીનો હાર બાળકના ગળામાં હોય છે. થોડા દિવસો પછી ઍ વીંટી નો હાર ઉતારાય છે ત્યારે પણ ફરીથી ઘરમાં ખીર બને છે. આ આખી કહાનેથરની પૂજાને આદર સન્માનભાવ સાથે નદીમાં પધરાવવામાં આવે છે. આમ, સંગીન સ્ત્રી શક્તિ ભર્યા આ કહાનેથર સંસ્કાર કશ્મીરી પંડિત પરિવારોમાં અચૂક થાય છે.