Vishesh News »

મૃત્યુ પહેલાં મુક્તિ મળવી સંભવ છે

નોખી-અનોખી - કિંજલ પંડ્યા, પારડી મુક્તિ ઍટલે શું? ‘મુક્તિ’ શબ્દ આવે ઍટલે આપણને રવીન્દ્રનાથ ટાગોરની કવિતા યાદ આવે.... મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું ઍ મને પૂછશો મા. હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી, હું કવિ છું . ( રવિન્દ્રનાથ ટાગોર) બસ ઍવો જ કંઈક વિચાર... શું બધું છોડી દેવું ઍ મુક્તિ છે ? બધેથી છુટકારો મેળવવો ઍ મુક્તિ છે? કે પછી મોક્ષ માટે કરવામાં આવતા પ્રયત્નો અને ઍનાં ફળ સ્વરૂપે મળે ઍ મુક્તિ? મુક્તિનો સાચો અર્થ થાય છે શું? વળી, આ બધાંથી મુક્તિ મળી જાય છે? ઍવું થાય છે? આ ઍક યક્ષ પ્રશ્ન રહેશે, જ્યાં સુધી આપણે સાચું ન જાણીશું, સમજીશું. કારણ આપણે સંસારીઓને સંસારમાં રહીને મુક્તિ કેમ મેળવવી ઍ નથી સમજાતું તે આવડતું પણ કોઈ સદગુરુનો હાથ પકડાઈ જાય તો ઍ શક્ય છે. મુક્તિ ઍ આપણી માનસિક અવસ્થા છે. ઍટલે આપણે જે આપણાં મનથી મગજથી જે વાત - વસ્તુ કે વ્યક્તિ સાથે બંધાયા છીઍ ને વાસ્તવમાં ઍ આપણી માનસિકતા છે ઍ બધાંમાંથી જો બહાર નીકળી જઈઍ તો કદાચ સાચી મુક્તિ મળે. મૃત્યુ પછી શું થાય છે ઍની આપણને ખબર નથી. ઍથી આપણે તો જીવતે જીવ મુક્તિ કેવી રીતે મળે ઍ જ જોવાનું અને વિચારવાનું. સૌપ્રથમ તો આપણાં જ ભાવ - અભાવ અને સ્વભાવમાંથી છૂટી જવું કે છુટકારો મેળવવો ઍટલે જ મુક્તિ. બસ આટલું સમજાય જાય ને તો પણ મુક્તિ મળી જાય ઍવું છે. કારણ મુક્તિ ઍ આપણી માનસિક અવસ્થા છે. આટલું મેળવી લેવાથી મુક્તિ અને મોક્ષ બંને પ્રાપ્ય બને છે. આપણાં સૌમાં ઍક ‘હું’ છે જેને મુક્ત કરવાની આપણી સૌની જવાબદારી છે. આમ છતાં આપણી પોતાની જવાબદારી લેવાની આપણે જરૂર છે અને જવાબદારી પણ આપણી જ બને છે. આ થોડું અટપટું છે પણ જેમ જેમ આપણે આગળ જતા જઈશું કે વિચારતા જઈશું ત્યારે આ વાક્ય ધીમે ધીમે આપણને સમજાઈ જાય ઍવું બને. આપણે સૌ આપણાં ‘હું’ ના અને આ દુનિયાનાં તો ઠીક આપણે આપણાં પોતાનાં વિચારોના જ ગુલામ બની ગયાં છીઍ. આપણે જ આપણાં મન અને મગજના માલિક બની જઈશું તો કદાચ હમણાં જે છીઍ ઍનાં કરતાં વધુ સુખી અને ખુશ બંને રહી શકીશું. કોઈ મને ગમે ઍ કહે ઍ સ્વીકારવું ન સ્વીકારવું ઍ મારાં હાથમાં છે. હું ઍને સાંભળીને પણ અવગણી તો શકું જ છું?. કોઈ મારી પાસે ગમે ઍટલા કાર્યો કરાવે કે ઉપયોગ કરે હું ઍમનાં જ કાર્યોમાં રહું ઍવું બને આમ છતાં ઍમાંથી મારી જાતને મુક્ત રાખું ઍ જ સાચી મુક્તિ. કોઈ આપણો કેટલો ઉપયોગ કરી શકે? શારીરિક કદાચ કરી શકે પરંતુ માનસિક કેટલો કરી શકે ઍ સંપૂર્ણપણે આપણાં ઉપર નિર્ભર રાખે છે અને આ માનસિક અવસ્થા સમજવી અને બધામાંથી બહાર આવી જવું ઍટલે જ મુક્તિ. પોતાની જવાબદારી લેતાં શીખી જઈશું ને તો જ આપણે મુક્તિ મેળવી શકીશું અને ઍ પહેલાં પોતાનો સ્વીકાર કરવા જેવો છે. કોઈપણ વાડામાંથી મુક્ત થવું, કોઈ પણ વિચારોમાંથી મુક્ત થવું ઍ પણ ઍક પ્રકારની મુક્તિ તો ખરી જ. આ સંસારમાં જે પણ ઘટના ઘટિત થઈ રહી છે ઍના ફક્ત દર્શક બની રહીઍ ને તો પણ મુક્તિ મળે ઍમ છે. આખાં દિવસમાં કરવામાં આવતાં ગમતાં કે ન- ગમતા દરેક કાર્યોને સ્વીકારી લઈને આપણે ઍમાંથી મુક્ત બની રહી શકીઍ. જીવનમાં ક્યારેય બીજાં માટે ખપી જવું ઍ પણ મુક્તિ જ છે. આપણે સૌ આધુનિક યુગમાં જીવીઍ છીઍ. જ્યાં લાગણીનો શૂન્યાવકાશ સર્જાયો છે અને પદ - પ્રતિષ્ઠા- પૈસાનું સૌથી વધુ મહત્વ છે. મોટીવેશનલ સ્પીકરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ઍટલે સલાસ પણ ખૂબ સસ્તી બની ગઈ છે. આ બધું જ હોય છતાં આપણે શાંતિથી જીવી નથી શકતાં. કારણ આપણો જીવ બંધન ઈચ્છે છે, મુક્તિ નહીં. આપણે જે મેળવીઍ છીઍ ઍમાંથી પણ મુક્તિ મેળવવા જેવી છે. ફકીરને જોયો છે કદી ફિકર કરતાં ? ઍ હંમેશા ખુશમાં જ કેમ રહે છે? પોતાની મોજમાં જ કેમ રહે છે? ઍવું નથી કે ઍને ઈશ્વર પ્રા કર્યા પણ સૌથી મોટું સત્ય છે કે ઍ મુક્ત થઈ ગયો છે. સંબંધોમાંથી નહીં, પણ જીવનમાંથી, પ્રભુમાંથી. આધ્યાત્મ જગતમાં પ્રભુથી વિખુટા પડવું પણ મુક્તિ જ છે. અને ઍ પણ પરમાત્મા સમીપ જવાનો ઍક રસ્તો જ છે. આ વાક્ય ખૂબ ઊંડી સમજ માંગી લે છે. ઈશ્વર કે ભગવાન ક્યારેય ઍમ નથી કહેતા કે તું મને જ ભજ. ઍનું સૌથી મોટું ઉદાહરણ કૃષ્ણનું છે. ઍ કહે છે બધું જ છોડી દે. બધેથી મુક્તિ મેળવી લે અને પોતાની જાતને ઓળખ, સમજ અને સાંભળ તો બધું જ આપોઆપ મળશે. તેનાથી ઍક ડગલું આગળ સ્વને ઓળખીને પણ સ્વમાંથી મુક્તિ મેળવવી ખૂબ કપરી છે. પરંતુ મુક્ત થવા માટે સઘળું સ્વીકાર્યા છતાં બધેથી મુક્ત રહેવું ઍ મુક્તિ. અધ્યાત્મ જગતમાં થોડા ડગલા ભરીઍ ત્યાં આપણને શાંતિ મૌન - પાપ - પુણ્ય - સ્વ - મોક્ષ આવાં તો ઘણાં શબ્દો રસ્તામાં મળે જ છે. પરંતુ આ બધામાંથી આગળ છે મુક્તિ. આપણાં શાસ્ત્રોમાં કહ્નાં છે કે આપણને આપણાં કર્મો પ્રમાણે સ્વર્ગ - નર્ક કે બીજો જન્મ મળે છે. ઍટલે આપણે આ જન્મમાં જે કંઈ પણ કરીઍ છીઍ ઍ સઘળું જ બંધન કરતા જ ગણાય ને ? પણ આ બંધનમાં રહીને આપણો આત્મા મુક્ત રહી શકે ઍ જ સાચી મુક્તિ. ઍવી ઘણી વાત - વસ્તુ કે વ્યક્તિ હોય છે જેનાથી આપણે છુટકારો ઈચ્છીઍ છીઍ. નકારાત્મકતા કે હતાશામાંથી પણ છુટકારોઍ છીઍ પણ શું છુટકારો મેળવ્યા બાદ ઍમાંથી મુક્તિ મળે છે ખરી? મને આ મળશે તો જ મને શાંતિ મળશે. હું આ કામ કરીશ તો જ શાંતિ મળશે. હું આ ખાઈશ તો જ શાંતિ મળશે. આવાં વાક્યો દિવસના હજારો વાર બોલતાં રહીઍ છીઍ. ઍ બધું જ મળી તો જાય છે પણ આમ છતાં પણ શાંત નથી જ થવાતું, કેમ? કારણ આપણે હું ને પોષવામાં વ્યસ્ત રહીઍ છીઍ. માણસને બધું મળી જાય પણ શાંતિ નથી મળતી અને શાંતિ ન મળે ઍટલે મુક્તિ નથી જ મળતી ઍટલે આપણે જે કંઈપણ કરીઍ ઍમાં કર્તા ભાવ રાખીને, દર્શક બનીને, દરેકનો સહજ સ્વીકાર કરીને સઘળા કાર્યો કરીને પણ મુક્ત રહેવું ઍ જ સાચી મુક્તિ. મુક્તિ ઍ ઍવી માનસિક અવસ્થા છે જે આપણને ક્યારેય બંધન કરતા નથી જ બનતી. તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં ફકીર મોજથી ફૂકે છે ચલમ મારામાં (- દિલીપ વ્યાસ)