Vishesh News »

ઉનાઇ મહોત્સવમાં લોકડાયરો અને લોકનૃત્યોને લોકોઍ મનભરીને માણ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નવસારી, તા. ૧૫ : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ ઉત્સવની ઉજવણી નિમિત્તે રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્સવ-૨૦૨૪ નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તથા મહાનુભવોઍ દીપ પ્રગટાવી મહોત્સવનો શુભારંભ કર્યો હતો. ગુજરાતના લોકો તથા દક્ષિણ વિસ્તારના આદિજાતિ ભાઇ-બહેનોને ઉનાઇ માતામાં અનેરી શ્રધ્ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, બે-દિવસીય ઉનાઇ મહોત્સવ ઍ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે. ઉનાઇ મહોત્સવમાં ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, ગરબો તથા ગુજરાતના લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનો ભક્તજનોઍ દિવ્ય નજારો માણ્યો હતો. આ પ્રસંગે ઉનાઇ મહોત્સવમાં તાલુકા પંચાયતના સભ્યો, વાંસદા પ્રાંત અધિકારી ડી. આઈ. પટેલ, વાંસદા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોળીયા સહિતના અધિકારીઓ તેમજ ઉનાઇ ગામ અને આસપાસના ગ્રાજજનોઍ ઉનાઇ મહોત્સવને માણ્યો હતો.